વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની આગામી 24મી જાન્યુઆરીથી શરૂ થતી પ્રથમ સેમિસ્ટરની પરીક્ષાઓ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે.ગુજરાત રાજ્યમાં છેલ્લાં દસેક દિવસથી કોરોનાનું સંક્રમણ ભયાનક હદે વધી રહ્યું છે. તેમાંય ખાસ તો આણંદ-ખેડા જિલ્લો, એનઆરઆઈ હબ હોય કોરોનાના કેસમાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા, ચોથા ક્રમે છે. છેલ્લાં કેટલાંય સમયથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસનું પ્રમાણ વ્યાપકપણે વધ્યું છે. ત્યારે બીજી તરફ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આગામી 24મી જાન્યુઆરીથી પરીક્ષાઓનું આયોજન કરાયું હતું.
આ ઉપરાંત આણંદ-નડિયાદની કેટલીક કોલેજ-ડિપાર્ટમેન્ટ તથા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. જેને પગલે યુનિવર્સિટી દ્વારા સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાની પ્રથમ સેમિસ્ટરની પરીક્ષા હાલ પૂરતી મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. અને બીજા સેમિસ્ટરનો અભ્યાસક્રમ શરૂ કરવા જણાવ્યું છે. જોકે, પ્રથમ સેમિસ્ટરની પરીક્ષા લેવા માટેનો નવો કાર્યક્રમ હવે પછીથી યુનિવર્સિટી દ્વારા જાહેર કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.