મોટી દુર્ઘટના ટળી:ઉમરેઠના બસ સ્ટેશનમાં દાહોદ–અમદાવાદ રૂટની બસમાં આગ લાગતા અફડા તફડી મચી, મુસાફરોને ઇમરજન્સી બારીમાંથી બહાર કઢાયા

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસ ચાલકની સમય સુચકતાથી તુરંત મુસાફરોને ઉતારી લેતાં જાનહાનિ ટળી

ઉમરેઠના બસ સ્ટેશનમાં બુધવારે બપોરે આવેલી દાહોદ –અમદાવાદ રૂટની બસમાં અચાનક આગ લાગી હતી. ડ્રાઇવરની કેબીનમાં જ એન્જિનનો ભાગ સળગતા અફડા તફડી મચી હતી. જોકે, બસમાં સવાર મુસાફરોને પાછળના ભાગની ઇમરજન્સી બારીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં કોઇ જાનહાનિ ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

ઉમરેઠ બસ સ્ટેશનમાં દાહોદ –અમદાવાદ રૂટની બસમાં ડ્રાઇવરના કેબિનમાં એન્જિનમાંથી ધુમાડા નિકળવા લાગ્યાં હતાં. જેના પર ચાલકની નજર પડતાં તુરંત સમયસુચકતા વાપરી બસમાં સવાર તમામ મુસાફરોને ઉતરી જવા બુમાબુમ કરી હતી. જેના પગલે આસપાસના મુસાફરો પણ દોડી આવ્યાં હતાં અને બસની પાછળના ભાગે રહેલી ઇમરજન્સી વિન્ડોમાંથી તાત્કાલિક મુસાફરોને નીચે ઉતારી લીધાં હતાં.

આ ઘટનાના પગલે એસટી વિભાગના અન્ય કર્મચારીઓ પાણીની ડોલ લઇ દોડ્યાં હતાં અને પાણી છાંટી આગ ભડકે તે પહેલા મામલો કાબુમાં લીધો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જણાયું હતું. જ્યારે ઘટના સમયે બસમાં 55 જેટલા મુસાફરો સવાર હતાં. આ બસ દાહોદથી અમદાવાદ જઇ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...