તસ્કરોની દાદાગીરી:આંકલાવમાં પિતા - પુત્ર રૂ. એક લાખનો સેન્ટીંગનો સામાન ઉઠાવી ગયા, માલિકે કારણ પૂછતાં ધમકી આપી

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાતોરાત ટ્રેક્ટરમાં સામાન સાથે કેરી અને નાળીયેર પણ તોડી લઇ ગયાં

આંકલાવના આઈબી પેટ્રોલ પંપ પાસે આવેલી જમીનમાં રાત્રે ઘૂસેલા પિતા-પુત્ર સહિત ત્રણ શખસ સેન્ટીંગનો સામાન ઉપરાંત કેરી અને નાળીયેર પણ તોડી કિંમત રૂ.1.07 લાખની મત્તા ચોરી કરી લઇ ગયા હતા. આ અંગે આંકલાવ પોલીસે ત્રણ શખસ સામે ગુનો નોંધ્યો હતો.

આંકલાવના ભાટવાડા ખાતે રહેતા જુજરભાઈ મોહસીનભાઈ દાઉદી હાર્ડવેરનો વેપાર કરે છે, તેઓની જમીન આઈબી પેટ્રોલ પંપ પાસે આવેલી છે. આ જમીન પર તેઓએ બે તરફના સિમેન્ટના પાટીયાની દિવાલ સાત ફુટ, આરસીસી બીમ કોલમવાળી દિવાલ બનાવવાનું કામ શરૂ કર્યું હતું.

આ દરમિયાનમાં રાતના આશરે બાર વાગે જુજરભાઈ તેના ભાઈ સાથે જગ્યા પર ગયા હતા. આ સમયે ગામના હિતેશ ચંદુભાઈ પટેલ અને તેનો પુત્ર નીલ પટેલ કેટલાક મજૂરો સાથે ટ્રેક્ટરમાં સામાન ભરી રહ્યાં હતાં. જોકે, માણસો વધુ હોવાથી જુજરભાઈ ત્યાંથી નીકળી ગયાં હતાં.

બીજા દિવસે સવારે તેઓ હિતેશ પટેલને ત્યાં જતાં ફાર્મ પર કેમ આવ્યાં? તેમ પુછતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દ બોલી ફાચરા કરી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે જુજરભાઈની ફરિયાદ આધારે હિતેશ ચંદુ પટેલ, નીલ હિતેશ પટેલ અને ટ્રેક્ટરનો ડ્રાઇવર સામે રૂ.1.07 લાખની મત્તાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...