આણંદના ખેડૂતો આધુનિક ખેતી તરફ વળે તે માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા અદ્યતન સાધનોની માહિતી આપવામાં આવે છે. તેમાં પણ ડ્રોનના આવિષ્કાર બાદ તેનો મહત્તમ ખેતીમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય ? તે અંગે કૃષિ યુનિવર્સિટી દ્વારા નિદર્શન દ્વારા તાલીમ આપવામાં આવે છે. હાલમાં ડ્રોનની મદદથી સારામાં સારો પાક મેળવી શકાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં ડ્રોનની મદદથી ખેતરમાં વધતી જીવાતોનો ઉપદ્રવ વિશે જાણી, ડ્રોનની મદદથી જ દવાછંટકાવ કરવામાં આવ્યો હતો.
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ડ્રોન દ્વારા કીટનાશક દવાના છંટકાવનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કપાસના પાકમાં ડ્રોન થકી કીટનાશક દવાના છંટકાવની પાક ઉપર થતી અસરો ચકાસવાની સાથે સાથે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, સંશોધન યોજનાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને ખેડૂતોમાં જાગૃતતા લાવવાના આશયથી ગોઠવવામાં આવ્યું હતું.જેમાં ડ્રોનની મદદથી ખેતરમાં વધતી જીવાતનો ઉપદ્રવ વિશે પણ જાણી શકાશે.
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેના કીટકશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય દ્વારા કપાસના પાકમાં ડ્રોન દ્વારા કીટનાશક દવાના છંટકાવનું નિદર્શન કુલપતિ ડો. કે. બી. કથીરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ સંશોધન પૈકી બાયર ક્રોપ સાયન્સ લિમિટેડ, થાણે દ્વારા કપાસના પાક માટે અનુમોદીત યોજના અંતર્ગત આ નિદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ડ્રોનના ઉપયોગથી પાક સંરક્ષણ, પ્રવાહી ખાતર તેમજ નેનો-ફર્ટીલાઈઝર, વૃધ્ધિ વર્ધકો અને નિયંત્રકોના છંટકાવ તેમજ પાકમાં આવતા રોગ અને જીવાતોની ઉભા પાકમાં ડ્રોન થકી મોજણી કરીને સમયસર નિયંત્રણ વિગેરેની વિસ્તૃત માહિતી વૈજ્ઞાનિકો, વિસ્તરણ કાર્યકરો, ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
આ નિદર્શન દરમિયાન કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક, ડો. એમ. કે. ઝાલા; વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો. એચ. બી. પટેલ;બં. અ. કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય, ડો. વાય. એમ. શુક્લ, અન્ય યુનિવર્સિટી અધિકારીઓ તેમજ વિવિધ વિભાગીય વડા, સંશોધન કેન્દ્રોના ફાર્મ મેનેજર, પાક સંરક્ષણના વૈજ્ઞાનિકઓ, અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડ્રોન દ્વારા અંદાજિત એક એકર વિસ્તારમાં કીટનાશક દવાનો છંટકાવ કરી નિદર્શન યોજવામાં આવેલ હતું. આ નિદર્શન દરમિયાન ઉપસ્થિત સૌને ડ્રોન અંગેની વિસ્તૃત માહિતી બાયર ક્રોપ સાયન્સ લિમિટેડના પ્રતિનિધિઓ દ્વારા પૂરી પાડવામાં આવેલ હતી. સમગ્ર નિદર્શનનું આયોજન કીટકશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડા, ડો. ડી. બી. સિસોદીયા; મદદનીશ પ્રાધ્યાપક, ડો. એચ. સી. પટેલ તથા વિભાગના સર્વે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું.
યુનિવર્સિટીમાં નવા ડ્રોનની ખરીદી અને પાયલોટને નિયમો અને કાયદાકીય રીતે તાલીમ અપાશે ડ્રોનનો કૃષિમાં ઉપયોગ વધે તેમજ ડ્રોન સંબંધિત વિવિધ સંશોધનો હાથ ધરી શકાય તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નવા ડ્રોન પણ ખરીદવામાં આવશે. વધુમાં યુનિવર્સિટી ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ માટે વિવિધ બાબતોથી સક્ષમ બને તે માટે ડ્રોન પાયલોટને પણ નિયમો અને કાયદાકીય રીતે તાલીમ મળી શકે તે અર્થે પણ આયોજન કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.