આણંદ-ખેડા જિલ્લામાં ત્રણેય સિઝનમાં ખેતીપાકો કરવામાં આવે છે. જો કે મોટાભાગના વિસ્તારોમાં ખેતીપાકોને વાનર, ભૂંડ અને રોઝ પારાવાર નુકસાન કરે છે. સરવાળે ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે. અગાઉ ગામની ભાગોળ સુધી સિમિત રહેતા ભૂંડ હવે સીમ વિસ્તારમાં ફેલાઈ ગયા છે. ઊભા પાકને નુકસાન કરવામાં ભૂંડ મુખ્ય છે.
બાજરી, મકાઈ, જુવાર, ડાંગરના પાકનો ભૂંડ બે પગ વચ્ચે ચાસ લઈ બાજરી, મકાઈ અને ડાંગરનું વ્યાપક નુકસાન કરે છે. વાનરો પણ ખેતી પાકોને વ્યાપક નુકસાન કરે છે. જો કે સૌથી વધુ જોખમ ખેડૂતોને રોઝથી ઊભું થયું છે. ટોળાં બંધ આવતા રોઝને ભગાડવા ખેડૂતો માટે જીવને જોખમમાં મૂકવા સમાન બને છે.
ચરોતરમાં હાલની રવી સિઝનમાં તમાકુ, રાઈ, ટામેટી, ઘઉં, બટાટા તથા શાકભાજીની ખેતી મોટા પાયે કરવામાં આવી છે ત્યારે ભૂંડ, વાનર અને રોઝથી ખેતી પાકોને થતાં નુકસાનના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વાત્રક અને મહિસાગર નદી કિનારાના ગામોના ખેડૂતોએ હૈયા વરાળ કાઢતા જણાવ્યું હતું કે, ભૂંડ, વાનર અને રોઝના ત્રિપાંખીયા હૂમલાથી અમે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. આણંદ કિસાન સંધના હોદેદરોએ જણાવ્યું હતું કે, ભૂંડ, રોઝ અને વાનરના ત્રાસમાંથી છૂટકારો મેળવવા માટે પરંપરાગત ખેતી પાકોને તિલાંજલિ આપી નવિન ખેતી પાકો અપનાવ્યા હતા.
ડ્રેગન ફ્રુટની ખેતીનો નવો અખતરો કર્યો હતો પરંતુ ડ્રેગન ફ્રુટના કાંટાળા છોડને પણ વાનરો અને ભૂંડ જમીનમાંથી ખોતરીને ખાઈ જવા લાગતાં ડ્રેગનફ્રુટની ખેતી નિષ્ફળ ગઈ હતી. તુવેર, બાજરી, ઘઉં વગેરે પાકને રોઝ નુકસાન કરતા હોઈ ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે વન વિભાગના સૂત્રોઅે જણાવ્યુ હતુ કે, જંગલી પશુઅોને પકડવા માટે કોઈ યોજના નથી. રોઝના નિયંત્રણ માટે સરપંચને શિકારની છૂટ આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.