આણંદના સારસા ગામે પોષક ફેક્ટરી નજીક આવેલી તલાવડીમાંથી યુવકની લાશ મળી હતી. આ અંગે તપાસ કરતાં નજીકના ખેતરમાં વીજ કરંટથી તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આથી, પુરાવાનો નાશ કરવા ખેતર માલિક અને મજુરોએ લાશને તલાવડીમાં નાંખી દીધી હતી. આ અંગે ખંભોળજ પોલીસે ખેતર માલિક સહિત છ શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સારસા સીમમાં આવેલી પોષક ફેક્ટરી નજીક તલાવડીના કાંસમાંથી અજાણ્યા 40થી 45 વર્ષિય યુવકની લાશ મળી હતી. આ અંગે ખંભોળજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ લાશના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જ્યાંથી લાશ મળી ત્યાં કરંટ આપવાના તાર હશે અને ફેન્સીંગ પણ હશે. વીજ કરંટ લાગતા મૃત્યું નિપજ્યું હશે. આ ઘટના બેથી ત્રણ દિવસ પહેલા બની હોવાનું પણ જણાવ્યું હતું.
વાયરના થાંભલા કાઢી નાંખેલા હોવાથી શંકા ઉપજી
આથી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. જી. ચૌધરી સહિતની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં જે સ્થળેથી લાશ મળી હતી તે ખેતરની નજીકમાં કેળના તથા બટાટાના વાવેતરવાળા ખેતરો જોવા મળ્યાં હતાં. ત્યાં વીજ કરંટના તાર પણ જોવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત વાયરના થાંભલા ખેતરના માલીક દ્વારા તાજા જ કાઢી નાંખેલા હોવાનું લાગતા શંકા ઉપજી હતી. આથી, ખેતરના માલિક સુમિશ સુરેશભાઈ પટેલ (રહે.સારસા)ને બોલાવી આગવી ઢબે પુછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે, ખેતરમાં પશુઓ પાકને નુકશાન કરતા હોવાથી વીજ કરંટ લગાડેલો હતો.
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
તેણે વધુમાં કબુલ્યું કે તા.7મી ડિસેમ્બરના રોજ હું વડોદરા હતો ત્યારે સવારના મને અમારા ખેતરમાં રહેતા પપ્પુભાઈ તેજાભાઈ મકવાણાએ ફોન કરી કહ્યું હતું કે, આપણા બટાટાવાળા ખેતરના શેઢાએ આવેલી તારની વાડ પાસે કોઇ માણસ મરી ગયો છે. તેથી મેં ઓળખીતા માણસોને બોલાવી લાશને ખેતરની પાસે આવેલી તલાવડીમાં મુકી દેવા જણાવ્યું હતું. મહત્વનું છે કે, આ કબુલાત આધારે પોલીસે સુમિશ સુરેશ પટેલ, અરવિંદ ગોવિંદ રોહિત, રમેશ ઝવેર ઠાકોર, દિનેશ રામા પરમાર, પુંજા ઉર્ફે તેજા કિકલા રાવળ અને પપ્પુ પુંજા ઉર્ફે તેજા રાવળ (રહે. તમામ સારસા) સામે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.