તસ્કરી:પેટલાદના આમોદ ગામે પરિવાર સુતું રહ્યું અને ગ્રીલ તોડી તસ્કરો 1.37 લાખની મતા લઇ ગયા

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પેટલાદ તાલુકાના આમોદ ગામે મકાનની બારીની ગ્રીલ કાઢી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.37 લાખની મત્તાની ચોરી કરી જતાં પેટલાદ ગ્રામ્ય પોલીસે ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આમોદ બસ સ્ટેન્ડ સામે પ્રજાપતિવાસમાં 32 વર્ષીય નરેન્દ્ર રાજેન્દ્રભાઈ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. રવિવારે રાત્રે 11 વાગ્યે પરિવાર જમી પરવારીને સુઈ ગયો હતો. દરમિયાન નરેન્દ્રભાઈ સવારે પાંચ વાગ્યે ઉઠ્યા ત્યારે ઘરમાં મુકેલી બંને તિજોરી ખુલ્લી હતી અને તમામ સરસામાન વેરવિખેર થયેલો હતો. આ મામલે તેમણે ઘરમાં તપાસ કરતાં તસ્કરોએ તેમના ઘરમાંથી અલગ-અલગ સોના-ચાંદીના ઘરેણાં તથા રોકડા રૂપિયા 12 હજાર મળી કુલ રૂપિયા 1.37 લાખની મતાની ચોરી કરી હોવાનું માલૂમ પડ્યું હતું.

દરમિયાન, તપાસમાં તસ્કરોએ તેમના મકાનના પાછળના રસોડાની બારીની ગ્રીલ કોઈ હથિયારથી ખોલી કાઢી નાખી હતી અને ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી હતી. આ મામલે તેમણે પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઈ ચોરીનું પગેરૂં શોધવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...