બુટલેગરો બેફામ:આણંદમાં દાણ અને ચણાના ફોતરાની આડમાં વિદેશી દારૂની હેરફેરીનો પર્દાફાશ, રૂ. 10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોદાલ બસ સ્ટેશન પાસેથી વિદેશી દારૂ ભરેલું આઈયસર પકડાયું
  • રૂ.3.99 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ડ્રાઇવરની અટકાયત કરાઇ

આણંદ જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે.દિવાળીનો તહેવાર આવતા અને જનજીવન સામાન્ય બનતા આ તત્વો વધુ સક્રિય થયા છે.આણંદ જિલ્લાના વાસદ-બોરસદ ધોરી માર્ગ પર બોદાલ બસ સ્ટેન્ડ પાસેથી રવિવારના રોજ વ્હેલી સવારના સુમારે આણંદ એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી આયસર ગાડી ઝડપી પાડી હતી. પોલીસે 3.99 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે આયસર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ગત રાત્રિના પેટ્રોલીંગમાં હતી, જે અંતર્ગત પોલીસને મળેલી બાતમી આધારે રવિવારની વ્હેલી સવારના 5-30 કલાકના સુમારે વાસદ - બોરસદ ધોરી માર્ગ પર બોદાલ બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી વાસદ તરફથી વિદેશી દારૂ જથ્થો ભરીને આવી રહેલી આયસર ગાડી નંબર જીજે 23 એટી 5171ને ઝડપી પાડી હતી.

મહત્વનું છે કે, પોલીસે ગાડીની તલાસી લેતા દાણ અને ચણાના ફોતરાની આડમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આયસરમાંથી વિદેશી દારૂની 660 નંગ બોટલ કિંમત રૂ.3.30 લાખ તથા બિયરની બોટલ નંગ 696 કિંમત રૂ. 69 હજાર 600 મળી કુલ 3 લાખ 99 હજાર 600ની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે આયસર ચાલક સંગ્રામ રતનભાઈ ભાભોર (રહે. મોટી ખરજ, તા. જિ. દાહોદ)ની અટક કરી હતી. પોલીસે ઉક્ત વિદેશી દારૂનો જથ્થો તથા રૂ. છ લાખની કિંમતનો આયસર ગાડી, રૂ.1500 રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ.10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ કેસમાં પકડાયેલા ડ્રાઇવર સંગ્રામ ભાભોરની પુછપરછ કરતાં, દાહોદ ગોધરા રોડ પર આવેલા કાળાભાઈના પેટ્રોલ પંપ નજીકથી આ વિદેશી દારૂનો જથ્થો મનીષ નામના શખ્સે ભરી આપ્યો હોવાનું અને બોરસદ તરફ લઇ જવા આવનાર હોવાનું કબુલ્યું હતું. આ અંગે પોલીસે બોરસદ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિદેશી દારૂ સાથે પકડાયેલા ડ્રાઇવર સંગ્રામ ભાભોર અને મનિષ નામના શખસ સામે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...