પોલીસ વિભાગમાં અશ્વદળનું મહત્વ ખૂબ જ છે. સીમ રક્ષણ હોય કે પછી વીઆઈપી બંદોબસ્ત કે પછી કોઈ અધિકારીઓના સન્માનમાં, અશ્વ પોલીસ દળનો ઉપયોગ થતો હોય છે. આણંદમાં ઘોડેસવારી શીખવા માટે ક્લબ પણ ચલાવવામાં આવે છે.
રાજ્યમાં અલગ-અલગ વિસ્તારમાં દસ કેમ્પનું આયોજન
સમગ્ર રાજ્યમાં કુલ 758 મંજૂર મહેકમ પૈકી 296 જગ્યાઓ અલગ-અલગ જિલ્લામાં ખાલી છે. ત્યારે એક માસ અગાઉ કુલ 72 જગ્યાઓ પર અશ્વની ભરતી કરવા માટે સમગ્ર રાજ્યમાં અલગ-અલગ વિસ્તારમાં દસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર, સારંગપુર, ભાવનગર, અમરેલી, ગોંડલ, પાલનપુર, ભૂજ, જામનગર, અમદાવાદ અને છેલ્લો કેમ્પ આણંદમાં કરવામાં આવ્યો હતો.
25 અશ્વની પસંદગી હજુ બાકી
અત્યાર સુધીમાં કુલ 47 અશ્વની પસંદગી થઈ હતી, જ્યારે 25 અશ્વની પસંદગી હજુ બાકી છે. આણંદ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે નવ કલાકે યોજાયેલા કેમ્પમાં બોટાદ, બરવાળા, અને આણંદ જિલ્લામાંથી મળી કુલ 6 અશ્વમાલિકો હાજર રહ્યા હતા. પોલીસ વિભાગમાં થોરો, અરબી, કાઠિયાવાડી અને મારવાડી અશ્વની પસંદગી કરવામાં આવે છે.
છ પૈકી પાંચ અશ્વ તો આ માપદંડ પણ પૂરા કરી શક્યા નહોતા
તેમની ઊંચાઈ 56થી 63 ઈંચ, ગર્થ 65થી 70 ઈંચ, લંબાઈ 7.6થી 8 ફૂટ અને ઉંમર 4થી 7 વર્ષની નક્કી કરાઈ હતી. જોકે, છ પૈકી પાંચ અશ્વ તો આ માપદંડ પણ પૂરા કરી શક્યા નહોતા. જ્યારે ખંભાતના એક અશ્વમાલિકનો ઘોડો પસંદ કરાયો. પરંતુ સરકારની મર્યાદા પ્રમાણે માત્ર રૂપિયા બે લાખ સુધીની ચૂકવણી કરવાનું હતું. પરંતુ અશ્વમાલિકે અઢીથી ત્રણ લાખ રૂપિયા સુધીની માંગણી કરતાં આ સોદો પણ રદૃ કરાયો હતો.
ઘોડેસવારી ટ્રેનિંગ ફીમાં 1500નો વધારો
ઘોડેસવારી જેને શીખવી હોય તેમના માટે આણંદમાં ક્લબ બનાવવામાં આવી છે. અગાઉ વિદ્યાર્થી અને સરકારી અધિકારીઓ માટે ફી રૂપિયા 2250 હતી, જે વધારીને ત્રણ હજાર કરવામાં આવી છે. જ્યારે અન્ય માટેની 4500ની ફી રૂપિયા 6 હજાર કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.