આણંદ શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ નવો નથી. લમ્પી વાઇરસના નામે પાલિકાએ ઢોર પકડવાની ઝુંબેશ પડતી મુકી હતી, પરંતુ લમ્પી વાઇરસ ભુતકાળ બનવા જઇ રહ્યો છે.છતાં આ ઢોર પકડવા કોન્ટ્રાક્ટર બહાર ન નિકળતાં રખડતા પશુઓનો ત્રાસ ફરી દિવસે દિવસે વધી રહ્યો છે.આ પશુઓ રાજમાર્ગો પર અડીંગો જમાવી મનફાવે તેમ બેસતા ટ્રાફિકને અસર પડી રહી છે.
ઢોર પકડવાની ઝુંબેશ જ પડતી મુકી
આણંદ નગરપાલિકાની રખડતા ઢોરની પકડવાની કામગીરીમાં ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. રાજય સરકારની સુચના બાદ આણંદ પાલિકાએ કોન્ટ્રાક્ટ બહાર પાડી ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી. પરંતુ અચાનક લમ્પી વાયર આવતા ‘ભાવતું હતું ને વૈદ્યે કીધું’ તેમ પાલિકાએ ઢોર પકડવાની ઝુંબેશ જ પડતી મુકી દીધી હતી. જેના કારણે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી એક પણ રખડતું પશુ પકડાયું નથી. જેના કારણે ઢોર રેઢા મુકી દેનારા પશુપાલકોને પણ મજા પડી ગઇ છે. પરંતુ શહેરીજનો ફફડી રહ્યાં છે. રખડતાં ઢોરોને લઇને અકસ્માતમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે અને કેટલાક કિસ્સામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વાહન ચાલક કે રાહદારી આજીવન અપંગ બની જાય છે.
પશુ દીઠ રૂ.અઢી હજારથી પાંચ હજારના દંડની જોગવાઇ
આણંદ શહેરમાં એક હજાર કરતાં પણ વધુ ઢોરો છે. પરંતુ પાલિકાના ચોપડે માત્ર 300 જેટલા જ નોંધાયા છે. જ્યારે તેમને રાખવાની પણ જગ્યાનો અભાવ છે.આશ્ચર્યજનક બાબત એ છે કે,પાલિકા દ્વારા રખડતાં ઢોરને પકડવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં પશુ દીઠ રૂ.અઢી હજારથી પાંચ હજારના દંડની જોગવાઇ છે. પરંતુ પશુપાલકોને તેનો સહેજ પણ ભય નથી. પાલિકાને પશુ નિભાવણી માટે રૂ.દોઢ લાખ જેવી રકમ પણ સરકારમાંથી મળતી હોય છે. આમ છતાં પાલિકા દ્વારા ઢોરને સાચવવા માટેની કોઇ પણ ઝુંબેશ લાંબા સમય સુધી રહેતી નથી.
આણંદ જાહેરમાર્ગોથી લઇ ભીડભાડ વાળા વિસ્તારમાં રખડતા પશુનું સામ્રાજ્ય
આણંદ શહેરના જાહેરમાર્ગો પર રખડતા પશુઓના કારણે વાહનચાલકો પરેશાન છે. ખાસ કરીને વિદ્યાનગર રોડ, ગ્રીડ ચોકડીથી જાયડસ હોસ્પિટલ તરફનો રોડ, શહિદભગતસિંહ ચોક વિસ્તારમાં વધુ ઉપદ્રવ જોવા મળે છે. તેવી જ રીતે નવા બસ સ્ટેન્ડ, વારાહી શાકમાર્કેટ વિસ્તારમાં પણ રખડતાં પશુનો ત્રાસ ઓછો નથી.
રખડતાં પશુને પકડવા કોન્ટ્રાક્ટરને સુચના આપવામાં આવી છે
આ અંગે આણંદ ચીફઓફિસર એસ.કે.ગરવાલે જણાવ્યું હતું કે આણંદમાં લમ્પી વાયરસના કારણે પશુ પકડવાનું અભિયાન અટકાવવામાં આવ્યું હતું.પરંતુ આગામી સપ્તાહથી શરૂ થઇ જશે.આ અંગે કોન્ટ્રાક્ટરને પણ સુચના આપવામાં આવી છે.આગામી સપ્તાહથી અભિયાન ભરી શરૂ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.