કાર્યવાહી:આણંદમાં મકાન વેચી દીધા બાદ પણ બે ભાઈઓ ગેરકાયદે પ્રવેશ્યા

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુ નાણાં પડાવવા મકાનમાં પ્રવેશ કરી અડીંગો જમાવતા પોલીસ કાર્યવાહી

તારાપુર ખાતે અર્બન બેંક પાસે 35 વર્ષીય મોહસીનભાઈ ઈકબાલભાઈ વહોરા પોતાના પરિવાર સાથે રહે છે અને મોબાઈલ લે-વેચનો વ્યવસાય કરે છે. તેમના મિત્ર અસ્સજ્જાદભાઈ મોહમ્મદરફીક વહોરા કે જે આણંદ ખાતે મોબાઇલની દુકાનમાં કામ કરતા હોઈ અવાર નવાર મોહસીનભાઈ તેમની દુકાનમાં બેસવા જતા હતા. દુકાનમાં સલીમભાઈ ઈકબાલભાઈ વહોરા પણ કામ કરતા હોઈ તેમની સાથે તેમને પરિચય થયો હતો.

દરમિયાન થોડાં સમય બાદ સલીમભાઈએ તેમના નાના ભાઈ મુખ્ત્યારનું મકાન, કે જે દર્શન સોસાયટીમાં આવેલું હોય તે વેચવાનું હોવાનું જણાવ્યું હતું. થોડાં સમય બાદ મકાન જોયાં બાદ મોહસીનભાઈએ મકાન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી સમગ્ર સોદો રૂપિયા 12 લાખમાં નક્કી કર્યો હતો. જે પેટે રોકડા રૂપિયા ચાર લાખ મકાન વેચાણ પેટેના અને ત્યાર બાદ રૂપિયા 8 લાખ ચેક મારફતે આપ્યા હતા. આમ, તેમને પૂરી રકમ મળતાં તેમને મકાનનો કબજો સોંપ્યો હતો. મકાન જૂનું હોવાથી મોહસીનભાઈએ મકાનમાં સમારકામ અને કલરકામ સહિત રૂપિયા બે લાખનો ખર્ચો કર્યો હતો. અને મકાનનું કામ પૂર્ણ થયા બાદ મકાનને તાળું મારી તારાપુર જતા રહ્યા હતા.

ગત 7મી જૂનના રોજ આણંદ ખાતે મકાને રહેવા આવવાનું હોઈ પિતરાઈ ભાઈ લુકમાન સાથે આણંદ આવ્યા હતા. ત્યારે આ મકાનમાં વેચાણ આપનાર મુખત્યાર અને તેનો ભાઈ સલીમ પહેલેથી જ મકાનનું તાળું તોડી ઘરમાં રહેવા લાગ્યા હતા. મકાનમાં ગેરકાયદે રહેવા બાબતે પૂછતાં તેમણે મકાન ઓછા ભાવે આપ્યું હોય વધુ પૈસા જોઈએ છે તેમ કહી, વધુ પૈસા મળશે તો જ ઘર ખાલી કરીશું તેમ કહ્યું હતું. સ્થિતિ ભાળી જતાં મોહસીનભાઈએ સમગ્ર મામલે બંને ભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...