ચોરી:કપડાંની દુકાનમાં નોકરી કરનારા ચોરીમાં સંડોવાયેલા હોવાનું ખૂલ્યું

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાનગરમાં થોડાં સમય અગાઉ કપડાંની દુકાનમાંથી 60 હજારના કપડાંની ચોરી થઈ હતી

વિદ્યાનગર ઈસ્કોન મંદિર પાસે કપડાંની દુકાનમાં થયેલી રૂપિયા 60 હજારની મત્તાની ચોરીમાં કપડાંની દુકાનમાં અગાઉ કામ કરી ગયેલા ત્રણ શખસોના જ નામ ખૂલતાં વિદ્યાનગર પોલીસે ત્રણેયને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. ત્રણેય શખસ મહેસાણાના રહેવાસી છે અને છ મહિના પહેલાં તેઓ દુકાનમાં નોકરી કરી ગયા હતા.

મૂળ બોરસદ તાલુકાના રાસ ગામના પરંતુ હાલમાં વિદ્યાનગરની સુજનવન સોસાયટીમાં રહેતા વ્રજ મહેશભાઈ પટેલ એચબીસી સેન્ટરમાં કપડાની દુકાન ખોલીને વેપાર કરતા હતા. તેઓ થોડાં રેડીમેડ કપડાં પોતાના મકાનમાં પણ મૂકી રાખતા હતા. દરમિયાન, ગત 12મીએ તેઓ સવારે દસેક વાગ્યે પોતાના મકાનને લોક મારીને દુકાને ગયા હતા. સાંજે પરત ફર્યા ત્યારે તેમાંથી કોઈ શખસોએે તાળું ખોલીને પેન્ટ-શર્ટ, બ્લેઝર, ટી-શર્ટ તેમજ કપડાં મળીને કુલ રૂપિયા 60 હજારની મત્તાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન, સમગ્ર હકીકત અંગે તેમણે વિદ્યાનગર પોલીસને વાકેફ કરતાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા અને બાતમીદારોને સક્રિય કર્યા હતા. જેમાં ચોરીમાં સંડોવાયેલા ત્રણ શખસ મહેસાણાના રહેવાસી અને નિક્ષિત ફૂલજી ચૌધરી, ધવલ પ્રવિણ ચૌધરી અને અભય ચૌધરી હોવાનું ખૂલ્યું હતું.

પોલીસે ત્રણેયને મહેસાણા ખાતેથી ઝડપી પાડ્યા હતા. ત્રણેય શખસો છ મહિના પહેલાં તેમની દુકાનમાં નોકરી કરતા હોય સ્ટોક ક્યાં રાખ્યો હતો તેની તેમને જાણ હતી. અને એ પછી ત્રણેય જણાંએ ભેગાં મળીને ચોરીને અંજામ આપ્યો હતો. મોજશોખ કરવા ખાતર તેમણે પ્રથમ વખત ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...