સંગ્રામ પંચાયત:આણંદ જિલ્લામાં 192 ગ્રા.પંચાયતમાં 19મી ડિસેમ્બરે ચૂંટણીઃ આચારસંહિતા અમલી

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેલેટ પેપર પર મહોર મરાશે : અત્યાર સુધી ચર્ચાતા નામનો આખરી ઓપ આપવાની તૈયારીઓ શરૂ કરી
  • વિધાનસભા પહેલા સેમિફાઇનલ સમી ચૂંટણી પક્ષના બેનર પર નહીં લડાતી હોવા છતાં ગામ પર કબજો જમાવવા રાજકીય ગતિવિધિ તેજ બની

આગામી વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આ ડિસેમ્બર માસમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરાઈ છે. આણંદ જિલ્લાની 192 ગ્રામ પંચાયતમાં ચૂંટણી માટે 19 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરે પરિણામોની જાહેરાત થશે. આજે ચૂંટણીની જાહેરાત સાથે તત્કાળ અસરથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આણંદ જિલ્લાના કુલ 351માંથી 60 ટકા એટલે કે, 192 ગામોમાં પંચાયતોની ચૂંટણી હોવાથી આ વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત દરેક રાજકીય પક્ષ પડદા પાછળ દિવાળીથી સક્રિય થઈ ગયા છે. પંચાયતની ચૂંટણી પક્ષના પ્રતીક પર ના લડાતી હોવા છતાં તમામ રાજકીય પક્ષ સક્રિય થાય છે. અત્યાર સુધી સરપંચ અને વોર્ડના સભ્યોની જે તે ગામની યાદીઓ રાજકીય પક્ષો પાસેથી પહોંચી છે તેમાંથી વિજેતા બની શકે તેવા ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં રાજકીય પક્ષના આગેવાનો કામે લાગી ગયા છે. સ્થાનિક ચૂંટણીમા ઝંપલાવવા ઈચ્છુક ઉમેદવારોએ અંદરખાને તૈયારીઓ શરૂ કરી દીધી છે. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે રાજકીય ગરમાવાનો માહોલ પણ જામી ગયો છે.

આણંદ જિલ્લાની 192 ગ્રામ પંચાયતોમાંથી આણંદ તાલુકામાં સામરખ, સારસા, પેટલાદ તાલુકામાં ધર્મજ, નાર, પંડોળી, બોરસદ તાલુકામાં વાસણા, રાસ સહિત દરેક તાલુકાની મોટી ગ્રામ પંચાયતોમાં કબજો જમાવવા માટે ભાજપ કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવશે. આ વખતે સ્થાનિક ગ્રામ પંચાયતોની ચુંટણી મહાસંગ્રામ સમી બની રહેશે. આગામી વર્ષમાં ડિસેમ્બર માસમાં વિધાનસભા ચૂંટણી હોવાથી રાજકીય પક્ષોના આગેવાનો ગામડાઓમાં કબજો મેળવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે. આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ગામડાઓમાં બુથ લેવલની કામગીરી મજબૂત બનાવવામાં આવી છે. તેના આધારે સક્ષમ ઉમેદવારોને પંચાયતમાં ઉતારવાની કવાયત હાથ ધરી છે. જો કે આ વખતે ગ્રામ પંચાયતો રાજકીય પક્ષો દ્વારા ભવિષ્યના નેતાઓને તૈયાર કરવાની બાબતને ધ્યાને રાખીને નવયુવાન વર્ગને અંદરખાને ઉતારવાની તૈયારી આરંભી દીધી છે.

તંત્ર દ્વારા તૈયારી આરંભી દેવાઈ
બેલેટ પેપર પર ચૂંટણી યોજાવાની હોવાથી ચૂંટણી પંચ કામે લાગ્યું છે.વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદી, બેલેટ પેપર, મતદાન મથકો, પોલીસ બંદોબસ્ત સહિતની કામગીરીને લઇ વહીવટીતંત્ર એ પ્રયાસો તેજ કરી દીધા છે. સ્થાનિક સ્તરે ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો દ્વારા ચર્ચાઓ તેજ બની છે.બીજી તરફ જિલ્લામાં આ વખતે કેટલી ગ્રામ પંચાયત સમરસ બને છે તે અંગેની પણ ચર્ચાઓ તેજ બની છે.

અન્ય સમાચારો પણ છે...