સેવાયજ્ઞ:મોલ કે શોપિંગ સેન્ટરમાં વસ્તુઓ ખરીદવા અસક્ષમ ગરીબ બાળકો માટે વિદ્યાનગરમાં ‘અર્થ મેગા મોલ’નું આયોજન

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાનગરના નેચર ક્લબ દ્વારા 4 વર્ષથી આયોજન કરાય છે, જે ચાલુ વર્ષે બીજી ડિસેમ્બરે યોજાશે

સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકો મોટા શોપિંગ સેન્ટર કે પછી મોલમાં જઈને પોતાની મનગમતી વસ્તુઓ, કપડાં વગેરેની ખરીદી કરી શકતા નથી. ત્યારે વિદ્યાનગરના નેચર ક્લબ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ માટે અર્થ મેગા મોલનું આયોજન છેલ્લાં ચાર વર્ષથી કરવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે આગામી બીજી ડિસેમ્બરના રોજ ‘અર્થ મેગા મોલનું’ આયોજન કરાશે.

આ અંગે વાત કરતા ક્લબના સદસ્ય અનિરૂદ્ધસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, અર્થ મેગા મોલનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ અને સમાજને સાથે રાખી એવા બાળકોને મદદ કરવાનો છે જે મોટા મોલમાં કે શોપિંગ સેન્ટરમાં જઈને પોતાને ગમતી વસ્તુઓ ખરીદવા માટે અસક્ષમ છે. વિદ્યાનગર નેચર ક્લબ વર્ષ 2017થી મેગા મોલનું આયોજન કરે છે. જેમાં સક્ષમ શાળાઓ, કોલેજો, અને સમાજના સુખી પરિવારો પાસેથી એવી વસ્તુઓ ભેગી કરવામાં આવે છે જે તેમને ઉપયોગમાં નથી આવતી. જેમાં કપડાં, રમકડાં, ચોપડીઓ, નોટબુક, કટલરી, ઘર સજાવટની વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.

આ વસ્તુઓની છટણી કરી તેમાંથી સારી ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ અલગ કરવામાં આવે છે. આ વસ્તુઓને મોલના સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. ત્યારબાદ સરકારી શાળાના બાળકો જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમને આમંત્રિત કરવામાં આવે છે. તેઓને નિશુલ્ક સ્માઈલી પોઈન્ટ આપી તેના બદલામાં તેમને જરૂરી વસ્તુઓની ખરીદી કરવા કહેવાય છે. અત્યાર સુધી હજારો વસ્તુઓ પાંચ હજારથી વધુ બાળકોને આ ઈવેન્ટ દ્વારા વહેંચવામાં આવી છે. કોરોનાનાં કારણે વર્ષ 2020માં આ કાર્યક્રમ નહોતાં થઈ શક્યો પરંતુ તાજેતરમાં કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખીને બીજી ડિસેમ્બરે 400 બાળકો માટે ઈવેન્ટનું આયોજન કરાયું છે.

મોલ ઊભો કરવા મારૂતિ સોલારિસ મોલના હેમિનભાઈ અને વિશાલભાઈ સતત મદદ કરે છે. અમેરિકાથી ઈલેશભાઈ પટેલે (IAOKCHARITY) પણ વસ્તુઓ ભેગી કરીને આ કાર્યક્રમ માટે મોકલાવતા હોય છે. આ ઉપરાંત જાણીતા ગાયિકા પ્રાપ્તિબેન મહેતા પણ આ કાર્યક્રમ માટે સતત મદદમાં રહે છે. કરમસદ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાનગર નેચર ક્લબના સ્વયં સેવકો સતત મદદમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...