આંકલાવ પોલીસે ભેંટાસી ગામના માંડવાપુરાના ખેતરમાં આવેલી ઓરડીમાં દરોડો પાડી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી પકડી પાડી હતી. આ ફેક્ટરીમાં કેમિકલ સહિતનો જથ્થો મળી આવતાં મામલો ગંભીર બન્યો હતો. આ અંગે આંકલાવ પોલીસે સ્થળ પરથી એકની ધરપકડ કરી હતી. જ્યારે તપાસમાં રાજસ્થાન સુધી પગેરૂં પહોંચ્યું છે.
આરોપીએ કબુલાત કરી
આંકલાવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ. રાણા તથા સર્વેલન્સની ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, ભેટાસી બાભાગમાં રહેતો સુરેશ ઉર્ફે ચકો ભાઇલાલ માળી ભેટાસી વાંટા સીમ માંડવાપુરા તરફ જવાના રોડ પર કેનાલ પર આવેલા ખેતરના બોરકુવાની ઓરડીમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી વેચાણ કરે છે, આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી દરોડ પાડ્યો હતો. આ દરોડામાં સ્થળ પર જ ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી સાથે સુરેશ ઉર્ફે ચકો ભાઇલાલ માળી મળી આવતાં તુરંત તેની અટક કરી હતી. પ્રાથમિક પુછપરછમાં જ તેણે ડુપ્લીકેટ દારૂ બનાવતો હોવાનું કબુલાત કરી લીધી હતી.
અઢી લાખથી વધુનો જથ્થો મળી આવ્યો
પોલીસે ઓરડીમાં તપાસ કરતાં દારૂ બનાવવામાં વપરાતું કેમિકલ, ડુપ્લીકેટ દારૂ, ખાલી કેરબા, પીપ, વિદેશી દારૂની ખાલી બોટલ, ઢાંકણા, શીલ પેક કરવાનું મશીન, આલ્કોહોલ માપવાનું થર્મોમીટર, રોકડ, મોબાઇલ સહિત કુલ રૂ. 2 લાખ 59 હજાર 576નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સુરેશની પુછપરછ કરતાં તેણે આ બધો સામાન અમૃતલાલ હેમચંદ જૈન (રહે.ડુંગરપુર, રાજસ્થાન)એ આપ્યો હોવાની કબુલાત કરી હતી. આ દારૂ બનાવવાની ફેક્ટરી અમૃતલાલના ઇશારે જ ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
મહત્વનું છે કે, એફએસએલ દ્વારા અહીં મળેલ તમામ કેમિકલ અને પ્રવાહીના નમૂના લઈ વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.જો પ્રતિબંધિત કેમિકલની પુષ્ટિ થાય તો સમગ્ર પંથક માટે ચિંતાનો વિષય બનશે.વળી પોલીસ આ શખ્સ સાથે વેપાર કરતા અને દારૂની ખરીદ કરતા વ્યસનીઓને પણ તપાસ કરી વ્યસનમુક્ત કરવા કાઉન્સિલિંગ કરવુ જોઈએ તેવો લોકમત પંથકના બુદ્ધિજીવી નાગરિકોમાં પ્રવર્તી રહ્યો છે. આ અંગે આંકલાવ પોલીસે સુરેશ અને અમૃતલાલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શું કબજે લેવામાં આવ્યું ?
વિદેશી દારૂની 25 બોટલ તેમજ 13 ખાલી બોટલ, 12 કેરબામાં વિદેશી દારૂ બનાવવાનું 42 લિટર કેમિકલ, પ્લાસ્ટિકના 5 ખાલી કેરબા, 78 બનાવટી વિદેશી દારૂ ભરેલા 2 કેરબા, ખાલી પીપ, 03 ચીમની, આલ્કોહોલ માપવાનું થર્મોમીટર, રોકડા રૂપિયા 370, એક મોબાઈલ ફોન
માથા-પેટનો દુ:ખાવો થવા સાથે હાર્ટ એટેકની સંભાવના
સામાન્ય રીતે બનાવટી વિદેશી દારૂ પીવાથી શરીરને નુકસાન પહોંચે છે. સ્પિરિટ સહિત અન્ય કેમિકલનો ઉપયોગ કરવાથી માથા અને પેટનો દુ:ખાવો રહે છે. લાંબાગાળે તે હાર્ટએટેકમાં પણ પરિણમતું હોય છે. - ડો. સમીર મલેક, આણંદ.
ટેમ્પો ભરીને નીકળ્યાં બાદ રસ્તામાં જ ડિલીવરી આપી બારોબાર રાજસ્થાન નીકળી જતા હતા
ઝડપાયેલા શખસ સુરેશ માળી વિરૂદ્ધ સાતેક જેટલાં પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. તે અગાઉ દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતો હતો. એ સમયે તે રાજસ્થાનના વેપારી સાથે સંપર્કમાં આવ્યો હતો. તેણે આપેલા આઈડિયા મુજબ તેઓ ઓરડીમાં રાત્રિના સમયે દારૂ બનાવતા હતા અને એ પછી રસ્તામાં આસપાસના જેટલા બૂટલેગરોએ દારૂ મંગાવ્યો હોય તેને ડિલીવરી આપતા હતા. - ડી. એચ. દેસાઈ, ડીવાયએસપી, પેટલાદ ડિવિઝન.
ઓરડીનું 12થી 15 હજાર ભાડું ચૂકવતાં હતા
પોલીસે ઝડપી પાડેલાં સુરેશ માળીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, રાજસ્થાનથી વેપારી આવતો ત્યારે તે તેને ભાડાના પૈસા ચૂકવતો હતો. આ ઉપરાંત તે જ્યારે દારૂ બનાવતા હતા ત્યારે તેમને મદદ કરતો હતો. મહિનામાં જ્યારે પણ વેપારી આવે ત્યારે તે તેને રૂા. 12થી 15 હજાર ભાડા પેટે ચૂકવી દેતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.