બાપ્પાનું વિસર્જન:આણંદમાં દુંડાળા દેવનું શ્રદ્ધા પૂર્વક વિસર્જન કરાયું, 'ગણપતિ બાપ્પા મોરિયા' 'અગલે બરસ તુમ જલ્દી આના'ના નાદ ગૂંજ્યા

આણંદ2 મહિનો પહેલા
  • જિલ્લાના ગ્રામ્ય અને શહેરી માર્ગો ઉપર ગણેશજીની વિસર્જન યાત્રાની સવારીમાં ભક્તો તરબોળ બન્યા

આણંદ જિલ્લામાં 10 દિવસ ગણેશ મહોત્સવની ધૂમ રહી હતી. ગણેશ શ્રદ્ધાળુઓએ અનેક જગાએ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક આયોજનો કર્યા લોક જાગૃતિ અને શૈક્ષણિક જાગૃતિ ના પણ આયોજનો કર્યા હતા. આ ઉત્સવની પૂર્ણતાને આરે અનેક ગણેશ પંડાલમાં ભક્તો અને આયોજકોએ ગણેશજીને ખૂબ વૈવિધ્યસભર વાનગીઓના અન્નકૂટ ધરાવી મોટી ઉજવણી કરી હતી. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી માર્ગો ઉપર ગણેશજીની વિસર્જન યાત્રાની સવારીમાં ભક્તો તરબોળ બની ગયા હતા. જોકે, કોવિડ ગાઈડલાઈન ના ચુસ્ત પાલન સાથે નીકળતી વિસર્જન યાત્રામાં દર વર્ષના પ્રમાણમાં ભાવિકોની સંખ્યામાં મોટી ઓટ જોવા મળી હતી.

આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવની શ્રદ્વા અને ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં વિવિધ સ્થળોએ યુવક મંડળો દ્વારા સ્થાપિત ગણેશ પ્રતિમાએ દસમાં દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આણંદ જિલ્લામાં ઉમરેઠ, ખંભાત, કરમસદ, વિદ્યાનગર, પેટલાદ, તારાપુર સહિતના તાલુકા મથકો અને શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 1100થી વધુ જગાઓએ ગણેશ ઉત્સવનું આયોજન કરાયું હતુ. 10 દિવસ સુધી ચકેલા આ મહોત્સવનું અનંત ચૌદશે પુર્ણાહુતી થતી હોય છે. જે મુજબ આજે ગણેશ મંડળોએ શુભ મહુર્તમાં ગણેશ વિસર્જનની પૂજા વિધિ સંપન્ન કરી શ્રીજીને હૃદયમાં આરૂઢ કરી પ્રભુની પ્રતિમાનું ધામધૂમ પૂર્વક વિસર્જનયાત્રા કરી ગામ શહેરના તળાવમાં વિસર્જન કરાયું હતું.

દસ દિવસ માટે ગણેશજીની પ્રતિમાની ઘરે સ્થાપના કરનાર ભાવિકોએ પણ ગણપતિ બાપ્પા મોરિયાના જયનાદ સાથે દાદાને આવતા વર્ષ જલ્દી આવવાની વિનંતી સાથે વિદાય આપી હતી. ગણેશ ભક્તોએ ખૂબ ધામધૂમ પૂર્વક નાચગાન અને અબીલ ગુલાલ ની છોડો ઉછાળી શ્રીજીની શાહી સવારી કાઢી હતી.મહત્વનું છે કે સરકારની કોરોના ગાઈડલાઈન ને લઈ વિસર્જન યાત્રામાં ગણેશ મંડળ દીઠ 15 વ્યક્તિને જ પરમિશન આપવામાં આવી હતી.જે મુજબ મૂર્તિ વિસર્જન ની પણ જે તે શહેર ના તળાવોમાં ક્રમશઃ વ્યવસ્થા ગોઠવાઈ હતી જેથી કોઈ જ અફડાતફડી કે અવ્યવસ્થા ઉપર અંકુશ રાખી શકાય.આણંદ ના ગોયા તળાવ માં વિઘ્નહર્તા દેવ ગણેશજીની ભાવભેર વિદાય સાથે તળાવમાં પ્રતિમા વિસર્જનનું આયોજન કરાયું હતું.

સરકારી ગાઇડલાઇન અનુસાર ગણેશ મંડળો વાજતે ગાજતે પ્રતિમાઓ સાથે ગોયા તળાવ આવી પહોંચ્યા હતા. જયાં દાદાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ સમયે ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નાદ સાથે સમગ્ર માહોલ ગણેશમય બન્યો હતો.

બ્લોક બસ્ટર ગૃપ ,આણંદ
બ્લોક બસ્ટર ગૃપ ,આણંદ

આણંદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ગોયા તળાવમાં પ્રતિમા વિસર્જન માટે તરવૈયાઓની ટીમ, તરાપા સહિતની તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં એક બાદ એક પ્રતિમાઓને તરાપા દ્વારા તળાવના મધ્યભાગમાં લઇ જઇને પરંપરાનુસાર વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રશંગે સ્થાનિક અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં શ્રીજી ના ભક્તો જોડાયા હતા અને દાદાને ભાવભીની વિદાય આપી હતી.

થામણા યુવા ગૃપ
થામણા યુવા ગૃપ
અન્ય સમાચારો પણ છે...