રાજય સરકારે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ સહિતનું માર્ગદર્શન આંગળીના ટેરેવે મળી રહે તેમજ સરકારની વિવિધ ખેતીવિષયક યોજનાનો લાભ ખેડૂતો ઓનલાઇન મેળવી શકે તે માટે ખેડૂતોને સ્માર્ટ મોબાઇલ ફોન પર રૂપિયા 1500ની મર્યાદામાં મહત્તમ 10 ટકાની સહાયની જાહેરાત કરી હતી. પરંતુ નજીવી સહાયમાં ખેડૂતોને રસ ના પડતા 31 જાન્યુઆરી સુધીમાં માત્ર 166 ખેડૂતોએ અરજી કરી હતી.
આ બાબત સરકારના ધ્યાન પર આવતા હવે સહાયની રકમ વધારી 40 ટકા જેટલી કરાતા સારો પ્રતિસાદ સાંપડ્યો હતો અને એક સપ્તાહમાં વધૂ 460 કિસાનોએ સરકારના માધ્યમથી મોબાઇલ ફોન મેળવવા અરજી કરી છે. જેમાં સૌથી વધુ રસ ખંભાત તાલુકાના ખેડૂતોએ દાખવ્યો છે. જેમાં જિલ્લાના 8 તાલુકાવાર જોઈઅે તો ઉમરેઠમાં 122, ખંભાતમાં 168, આણંદમાં 62, તારાપુરમાં 47, પેટલાદમાં 58, બોરસદમાં 96, આંકલાવમાં 41 અને સોજીત્રા તાલુકામાં 21 અરજી મળી કુલ 615 અરજીઅો તંત્રને મળી છે.
સ્માર્ટફોન પર સહાયની મર્યાદામાં વધારો
ખેડૂતો દ્વારા ખરીદવામાં આવેલા સ્માર્ટ ફોન પર અગાઉની સહાય યોજના મુજબ રૂા. 15000 સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર હતી. જેમાં ખેડૂત સ્માર્ટ ફોન ખરીદે તો કિંમત પર 10 ટકા સહાય અથવા રૂા 1500 જે બેમાંથી ઓછુ હોય તે સહાય મળવાપાત્ર હતી. જે સરકારે વધારીને 40 ટકા અથવા રૂ. 6 હજાર બેમાંથી જે ઓછું હોય તે કરી છે.
દા.ત કોઇ ખેડૂત રૂા. 8000નો સ્માર્ટફોન ખરીદે તો તેને 40 ટકા લેખે રૂા 3200 સહાય મળવા પાત્ર રહેશે. કોઇ ખેડૂતે રૂા 20000 હજારનો સ્માર્ટ ફોન ખરીદયો હોય તો 40 ટકા લેખે રૂા. 8 હજાર થાય પરંતુ મહત્તમ મર્યાદા રૂ. 6 હજાર હોઇ તેટલી રકમ મળવાપાત્ર થાય. આમ સહાયની મર્યાદા અને ટકાવારી બંનેમાં વધારો કરાયો છે.> ચિંતન પટેલ, ખેતીવાડી અધિકારી, આણંદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.