હુમલો:ચિખોદરામાં પેટ્રોલીંગ પાર્ટી પર ડફેરે પથ્થરમારો કર્યો, જીઆરડી જવાનને છરી મારી દેતાં ઇજા પહોંચી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે શખસ સામે ગુનો નોંધાયો

આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ ચિખોદરા ગામે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બે શખસે પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત જીઆરડી જવાનને છરી પણ મારી દીધી હતી. આ અંગે પોલીસે બે શખસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ચિખોદરા ગામે હરસિદ્ધી માતાવાળા ફળીયામાં રહેતા જીઆરડી સભ્ય કિશનભાઈ દીલીપભાઈ પરમાર ગુરૂવારની રાત્રે આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ સાથે રાત્રિ પેટ્રોલીંગમાં હતાં. તેઓ એક્સપ્રેસ હાઈવે પર નાઇટ પેટ્રોલીંગમાં જવા માટે નિકળ્યાં હતાં અને સામરખા એક્સપ્રેસ હાઈવે પર જઇ જીઆરડી હર્ષદભાઈ ઠાકોર સામરખા ગામ બાજુની સાઈડે હતાં તેમજ લોકરક્ષક કિરપાલસિંહ, જીઆરડી વિજયભાઈ રોડની સામેની બાજુ હતાં. એક્સપ્રેસ વેની બન્ને બાજુ પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન કિશનભાઈ પરમાર અને હર્ષદ ઠાકોર નહેર નજીક જતાં ઝાડી ઝાંખરામાં બે શંકાસ્પદ ઇસમ દેખાયાં હતાં.

મહત્વનું છે કે તેમને ઉભા રહેવા માટે બુમ પાડતા તેઓએ છુટા પથ્થરમારો કર્યો હતો. આથી, અન્ય માણસોની મદદથી બન્નેનો પીછો કર્યો હતો. જેમાં એક ઇસમને પકડી પાડવામાં સફળતા મળી હતી. આ શખસે છુટવા માટે ઝપાઝપી કરી છરી કાઢી કિશનને ઢીંચણ પર મારી દીધી હતી. આ ઉપરાંત જીઆરડી હર્ષદ ઠાકોરને પણ છરી મારી દેતા બન્નેને ગંભીર ઇજા પહોંચી હતી.

આ ઘટનાના પકડાયેલા શખસની પુછપરછ કરતાં તે ફારૂક ઉર્ફે ભુરીયો હાજી દાઉદ મોરી (ડફેર) (રહે. બાજરડા, તા. ધંધુકા) હોવાનું કબુલ્યું હતું. જેને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જ્યારે ઘવાયેલા બન્ને જીઆરડી જવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં ફારૂક ડફેર પાસે સાદો મોબાઇલ, રોકડ, લોખંડની છરી, ગીલોલ અને પેન્ટના ખિસ્સામાંથી પથ્થર મળી આવ્યાં હતાં.આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...