પૂર્વ સિન્ડીકેટ સભ્યોની માગ:'સરદાર પટેલ યુનિવર્સિટીમાં ડો. શીરીષ કુલકર્ણીએ લીધેલા નિર્ણયોની તપાસ કરવામાં આવે'

આણંદ5 મહિનો પહેલા
  • પૂર્વ સિન્ડીકેટ સભ્ય બિપીન વકીલ, અલ્પેશ પુરોહિત સહિત આગેવાનોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારી આતશબાજી સહિતના કાર્યક્રમો યોજ્યાં

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. શીરીષ કુલકર્ણીને ગેરલાયક ઠરાવતો આદેશ સુપ્રીમકોર્ટે આપ્યા બાદ શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ આદેશને પૂર્વ સિન્ડીકેટ સભ્ય બિપીન વકિલ, અલ્પેશ પુરોહિત સહિત આગેવાનોએ આવકાર્યો હતો અને યુનિવર્સિટી બહાર જ આતશબાજીનો કાર્યક્રમ યોજ્યો હતો. સાથોસાથ તેઓએ ડો. શીરીષ કુલકર્ણી દ્વારા લેવાયેલા નિર્ણયોની તપાસ કરવા સમિતિ બનાવવા પણ રાજ્ય સરકાર પાસે માગણી કરી હતી.

વિદ્યાનગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટી તેના અભ્યાસને લઇ વિશ્વ વિખ્યાત છે. જોકે, આ યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી સત્તાની ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી. ખાસ કરીને કુલપતિ તરીકે ડો. શીરીષ કુલકર્ણીની નિમણૂંક થઇ તે સમયે મંડળના સંચાલકો, સિન્ડીકેટ સભ્ય સહિત આમને સામને આવી ગયાં હતાં. લાંબા સમયથી એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ ચાલી રહ્યાં હતાં. તેમાંય સિન્ડીકેટ સભા તો સતત તોફાની રહેતી હતી. દરમિયાનમાં ગુરૂવારના રોજ સુપ્રિમ કોર્ટ દ્વારા ડો. શીરીષ કુલકર્ણીને કુલપતિ તરીકે ગેરલાયક ઠેરવતો હુકમ કર્યો હતો. આ હુકમના બીજા દિવસે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ચર્ચાનો વિષય રહ્યો હતો.

આ અંગે અરજદાર ગઢવીએ જણાવ્યું હતું કે,સુપ્રીમ કોર્ટના આદેશને આવકારીએ છીએ. કુલપતિની નિમણૂંક માટેના લાયકાતના ધારાધોરણનો અમલ થયો નહતો. ખાસ કરીને વાઇસ ચાન્સેલર પ્રોફેસર હોવા જોઈએ અને તે પણ દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ. જોકે, ડો. શિરીષ કુલકર્ણીને માત્ર સાડા આઠ વર્ષનો જ અનુભવ છે. અગાઉ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા તે સમયે તેમની ટર્મને એક મહિનો જ બાકી હોવાથી સુપ્રીમે ચર્ચા કરી નહતી. પરંતુ ફરીથી તેમની નિમણૂંક થતાં ફરીથી સુપ્રીમમાં ગયાં હતાં. તેનો ચુકાદો આવ્યો હતો.

આ ઉપરાંત વિદ્યાર્થી નેતા અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે, ડો. શિરીષ કુલકર્ણીને કુલપતી તરીકે ગેરલાયક ઠેરવ્યાં બાદ તેમના કાર્યકાળ દરમિયાન થયેલા નિર્ણયની તપાસ થવી જોઈએ. આ અંગે રાજ્ય સરકારે એક સમિતિ નિમવી જોઈએ. તેમના કાર્યકાળ દરમિયાન અનેક ભ્રષ્ટાચારો થયાં છે. આ ચુકાદાના પગલે સરદાર પટેલ યુનિવર્સિટી બહાર ફટાકડાં ફોડવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...