સરાહનીય સેવા:તારાપુર CHCના તબીબો અને 108ની સમય સૂચકતાએ નવજાત શિશુનો જીવ બચાવ્યો

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવજાત શિશુને 108 દ્વારા અમદાવાદ સિવિલના માર્ગદશર્ન હેઠળ અમદાવાદ ખાતે શિફટ કરવામાં આવ્‍યો

તારાપુર ખાતેના સી.એચ.સી. ખાતે 4 ઓક્ટોબર 2021 ના રોજ તારાપુરના અમીબેન જયેશભાઈ વાલ્મિકીને દુ:ખાવો ઉપાડતા તેમને સી.એચ.સી. ખાતે લાવવામાં આવ્‍યા હતા જયાં તેણીએ સરકારી દવાખાનામાં પુત્રને જન્‍મ આપ્‍યો હતો. પુત્રનો જન્‍મ થતાં અમીબેન અને તેમના પતિનો હર્ષ સમાતો નહતો પરંતુ વિધાતાને કંઇક અલગ જ મંજૂર હોય તેમ નવજાત બાળકની તપાસ કરવામાં આવતાં આ નવજાત શિશુને મળ ત્યાગ કરવાનો માર્ગ ન હોવાનું જણાઇ આવતાં આ નવજાત બાળકની તાત્કાલિક ધોરણે સર્જરી કરવી જરૂરી હતી.

મહત્વનું છે કે સંસાધનોના અભાવને લઈ આ બાળ દર્દીની સારવાર આણંદમાં શકય નહોતી. જેથી માતા-પિતા પર જાણે કે આભ તૂટી પડયું હોય તેમ તેઓ ચિંતામાં હતા. પરંતુ તારાપુર સી.એચ.સી.ના ડૉકટર યાદવ અને આર.બી.એસ.કે.ટીમ, તારાપુરના ડૉકટર વૈશાલી રાઠોડે તેઓને હિંમત આપીને ગઇકાલે તા. 5મી ઓક્ટોબરના 2021 રોજ 108 કોલ સેન્ટરને કોલ જોડી 108 એમ્‍બ્‍યુલન્‍સને બોલાવી દર્દીને અમદાવાદના અસારવા ખાતેની સિવિલ હોસ્‍પિટલ ખાતે રીફર કરવા માટે બોલાવી હતી.

આણંદ 108 એમ્‍બ્‍યુલન્‍સને કોલ મળતાની સાથે 108 ના ઇએમટી રોહિતભાઇ સોલંકી અને પાયલોટ અરવિંદસિંહ રાઠોડ તારાપુર સી.એચ.સી. ખાતે પહોંચી ગયા હતા. જયાં તેઓએ નવજાત શિશુની તપાસ કરી ઇ.એમ.ઇ. પ્રજાપિતએ કઠવાડા ખાતેના ફિઝીશ્‍યન સાથે દર્દી વિશે વાત કરી અમદાવાદ ખાતેની સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવાની પરવાનગી લઇ લીધી અને કઠવાડાના ફિઝીશ્‍યના માર્ગદર્શન હેઠળ જરૂરી સારવાર આપીને અમદાવાદની સિવિલ હોસ્‍પિટલ ખાતે આ નવજાત બાળકને શીફટ કરવામાં આવ્‍યું હતું.

મહત્વનું છે કે 4 ઓક્ટોબરના રોજ આ જન્‍મેલ નવજાત બાળકે બે દિવસથી મળત્‍યાગ કર્યો ન હોવાથી તેનું પેટ અને શરીર ફૂલી ગયું હોવાથી આ બાળકને બચાવવું પણ એટલું જ જરૂરી હોઇ સી.એચ.સી. તારાપુર અને 108 ની ટીમે મહેનત કરીને બાળકને સહી સલામત અમદાવાદની સિવિલ હોસ્‍પિટલ ખાતે પહોંચાડવામાં આવ્‍યું હતું. બાળકને સમયસર અમદાવાદ ખાતે સહી સલામત પહોંચાડવામાં આવતાં બાળકના માતા અને પિતા જયેશભાઇ તેમજ તેમના પરિવારોએ તારાપુર સી.એચ.સી.ના તબીબો ડૉ. યાદવ અને વૈશાલીબેનનો તથા 108 ટીમ પ્રતિ આભારની લાગણી વ્‍યકત કરી હતી.

મહત્વનું છે કે સી.એચ.સી. તારાપુરના તબીબોની સમયસૂચકતા અને 108 ટીમની ઝડપી સારવારએ એક નવજાત શિશુને બચાવવા પોતાની જવાબદારીઓ અદા કરી હતી. આ નવજાત બાળકની સારવાર માટે સી.એચ.સી. તારાપુર દ્વારા જન્‍મ જાત ખામીઓની તપાસ અને સારવાર અંતર્ગત અટલ સ્‍નેહ યોજના કાર્ડ પણ કાઢી આપવામાં આવ્‍યું હતું.

અન્ય સમાચારો પણ છે...