આણંદના બાકરોલ ખાતે વૈભવ સિનેમા સામે આવેલી આરાધના હોસ્પિટલ એન્ડ મેટરનિટી હોસ્પિટલના ડો. રીતેશ બી. પટેલ દ્વારા પરિણીત યુવતિનો નગ્ન વીડિયો ઉતારી તેનું ત્રણ વર્ષ સુધી શારીરિક શોષણ કરવાના કેસમાં વિદ્યાનગર પોલીસે વિવિધ સ્થળે તપાસ હાથ ધરી હતી. જોકે, તે પહેલા ડોક્ટર ભુગર્ભમાં ઉતરી ગયો ગયો હતો. બીજી તરફ આ કેસમાં ડોક્ટરના પત્ની દ્વારા અપાયેલા નિવેદનમાં કેટલીક ઘટસ્ફોટ માહિતી આપતા ચકચાર મચી ગઈ છે.
આણંદના બાકરોલ ખાતે શ્રીરામ સૃષ્ટિ સોસાયટીમાં રહેતા અને વૈભવ સિનેમા સામે આરાધના હોસ્પિટલ એન્ડ મેટરનિટી હોસ્પિટલ ધરાવતા ડો. રીતેશ બી. પટેલને ત્યાં ઓક્ટોબર-2018માં એક પરિણીત યુવતી સારવાર માટે આવી હતી. આ પરિણીતાના ચેકઅપ બાદ ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશન બાદ તેને સપ્તાહ બાદ ફરી ચેકઅપ માટે બોલાવી હતી. આ સમયે પરિણીતાના વાંધાજનક અવસ્થામાં ઉતારેલા વીડીયો અને ફોટોગ્રાફ્સ બતાવ્યાં હતાં. આ જોયાં બાદ પરિણીતા તેને તાબે થઈ ગઈ હતી અને ડોક્ટરે સતત બ્લેક મેઇલીંગ શરૂ કર્યું હતું. ડોક્ટર મન મરજી પ્રમાણે બોલાવતો હતો અને દૂષ્કર્મ આચરતો હતો. આ ઘટનાના પગલે ઘેરા પડઘા પડ્યાં છે. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
મહત્વનું છે કે, આરોપી ડોક્ટર કોઈ અજાણ્યા સ્થળે ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાના અહેવાલ છે. જોકે, વિદ્યાનગર પોલીસ ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા આરોપીને ઝડપી પાડવા સખ્ત કવાયત હાથ ધરી છે. બીજી તરફ ડોક્ટરની પત્ની દ્વારા અપાયેલા નિવેદનમાં વિદ્યાનગર પોલીસ સમક્ષ કેટલીક સ્ફોટક માહિતી ઉજાગર કરવામાં આવી છે. જેના કારણે આ કેસમાં ગમે ત્યારે નવો વળાંક આવી શકે છે. હાલ આ સમગ્ર મામલે બન્ને પક્ષ મજબૂત રજુઆત કરતા હોય વિદ્યાનગર પોલીસ પણ છાશ ફુંકીને ફૂંકીને પીવે તેવી સ્થિતિ સર્જાઇ છે.
વિદ્યાનગર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. બી. રાઠોડ દ્વારા ડો. રીતેશ પટેલને પકડી પાડવા વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવ્યાં હતાં. જોકે, આ દરોડા દરમિયાન ખાસ કશું હાથ લાગ્યું ન હતું. મહિલા પાસે પણ યોગ્ય પુરાવાની માંગણી કરાઈ જે હજુ મળ્યા નથી. જેથી ફરિયાદ આધારે જ તપાસ ચાલી રહી છે. આરોપી ડોક્ટરની પત્નીએ નિવેદન આપ્યું છે તેમજ પતિના બચાવમાં કેટલાક સંયોગિક પુરાવા પણ રજૂ કર્યા છે જેની ખરાઈ અંગે પણ ટેક્નિકલ ટીમની સહાયતા લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.