આણંદના ગાયનેક ડોક્ટરે ત્રણ વર્ષ પહેલા સારવાર કરવા આવેલી પરિણીત યુવતીના ઓપરેશન દરમિયાન નગ્ન વીડિયો અને ફોટો પાડી બ્લેકમેઇલ કરી શારીરિક શોષણ કર્યું હતું. આ યુવતીને હોસ્પિટલ અને નડિયાદની હોટલમાં વારંવાર લઇ જઇ દૂષ્કર્મ ગુજાર્યું હતું. ત્રણ વર્ષથી શોષણનો ભોગ બનેલી યુવતીએ પતિને વાત કરતાં તેઓ મળવા ગયાં હતાં. પરંતુ ડોક્ટરે તેને પણ ધમકી આપી હતી. આખરે આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદના બાકરોલ ખાતે શ્રીરામ સૃષ્ટિ સોસાયટીમાં રહેતા અને વૈભવ સિનેમા સામે આરાધના હોસ્પિટલ એન્ડ મેટરનિટી હોસ્પિટલ ધરાવતા ડો. રીતેશ બી. પટેલ સામે બ્લેકમેઇલીંગ અને દૂષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. એમ.ડી. ગાયકેનોલોજીસ્ટ ડો. રીતેશ બી. પટેલની આરાધના હોસ્પિટલ એન્ડ મેટરનિટી હોમ ખાતે ઓક્ટોબર-2018માં એક પરિણીત યુવતી સારવાર માટે આવી હતી. આ યુવતીના ચેકઅપ દરમિયાન તેઓએ એક નાના ઓપરેશનની સલાહ આપી હતી. આ ઓપરેશન માટે યુવતી તૈયાર થઇ ગઈ હતી અને નિયત સમયે ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશન બાદ તેને સપ્તાહ બાદ ફરી ચેકઅપ માટે બોલાવી હતી. આથી, સપ્તાહ બાદ યુવતી હોસ્પિટલ પર પહોંચી તે સમયે ડો. રીતેશ પટેલે તેને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. આથી, યુવતીએ વિરોધ કરતાં તેણે યુવતીના વાંધાજનક અવસ્થામાં ઉતારેલા વીડિયો અને ફોટોગ્રાફ્સ બતાવ્યાં હતાં. આ જોયાં બાદ યુવતી તેને તાબે થઇ ગઈ હતી અને ડોક્ટરે સતત બ્લેક મેઇલીંગ શરૂ કર્યું હતું. ડોક્ટરની મન મરજી પ્રમાણે બોલાવતો હતો અને દૂષ્કર્મ આચરતો હતો.
આરાધના હોસ્પિટલ એન્ડ મેટરનિટી હોમ ઉપરાંત નડિયાદની રોયલ સ્કવેર હોટલ પર પણ અવાર નવાર લઇ જઇ ત્યાં પણ જાતિય અત્યાચાર ગુજારતો હતો. લાંબા સમયથી ચાલતા આ ખેલથી આખરે યુવતી કંટાળી ગઇ હતી અને સમગ્ર બાબતે પતિને વાત કરતાં તેઓ ડોક્ટરને મળવા ગયા હતા. આ સમયે પણ ડોક્ટરે તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે યુવતીએ આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ડો. રીતેશ બી. પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણેક મહિના પહેલા ગર્ભ રહેતા ડોક્ટરે ઓપરેશન કર્યું હતું
ડો. રીતેશ બી. પટેલ ગાયનેક હોવાથી સારવાર માટે આવેલી યુવતીનું શારીરિક શોષણ શરૂ કર્યું હતું. આ દરમિયાન યુવતીને ત્રણેક મહિના પહેલા જ ગર્ભ રહેતા તેણે ડોક્ટરને જાણ કરી હતી. આથી, તેણે તુરંત ગર્ભપાતનું ઓપરેશન કરી આપ્યું હતું. આ ઘટના બાદ પરિણીતા વધુ બ્લેકમેઇલીંગ સહન કરી શકે તેમ ન હોવાથી સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
તાજેતરમાં જ નવી હોસ્પિટલ બનાવી
તબીબ રિતેષ પટેલની પત્ની નેન્સી પટેલ ફિજીયોથેરાપીસ્ટ છે. અગાઉ બંને તબીબ દંપતિ વૈભવ સિનેમા સામે આવેલા કોમ્પલેક્ષમાં આરાધના હોસ્પિટલ અને પ્રસુતિ ગૃહ નામે હોસ્પિટલ ચલાવતા હતા. એ પછી ગત બીજી મેના રોજ તેમણે જગ્યા બદલી હતી. અને અનમોલ બેકરની ખાંચામાં વિશાળ સંસ્કાર હોસ્પિટલ ઊભી કરી હતી. હાલમાં તબીબ દંપતિ હોસ્પિટલમાં ફરજ બજાવે છે.
તબીબ સવારથી જ હોસ્પિટલમાંથી રફૂચક્કર થઈ ગયો
સમગ્ર બનાવની ફરિયાદ નોંધાયા બાદ તબીબ સવારથી જ હોસ્પિટલમાં દેખાયા નહોતા. બીજી તરફ આ મામલે તપાસ કરી રહેલી વિદ્યાનગર પોલીસ દ્વારા હાલમાં તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.