આણંદના નાનકડાં પીપળાવ ગામની દિવ્યાંગ દીકરીએ દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ કક્ષાની ગોળા ફેંક અને ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવી ચરોતર પંથકનું ગૌરવ વધાર્યું છે. આ નેશનલ પેરાઓલમ્પિક સ્પર્ધામાં દિવ્યાંગ વેદાંશી પટેલે મેળવેલી સિદ્ધિથી ગ્રામજનોએ અભિનંદનની વર્ષા કરી હતી.
દિલ્હી ખાતે આવેલા જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા નેશનલ એથલેટીક ચેમ્પિયનશીપ-2022માં આણંદ જિલ્લાના પીપળાવ ગામી દિવ્યાંગ દીકરી વેદાંશી પટેલે ઝળહળતો દેખાવ કર્યો હતો. પીપળાવના પ્રફુલભાઈ પટેલની લાડલી દીકરી વેદાંશી પટેલ 2 અલગ-અલગ રમત ગોળા ફેંક અને ભાલા ફેંકમાં ભાગ લીધો હતો અને તેમાં પ્રથમ અંક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
આણંદ જિલ્લાના ચાંગા ગામના ભૂતપૂર્વ પ્રજ્ઞાચક્ષુ સરપંચ અને સેતુ ટ્રસ્ટ વલ્લભવિદ્યાનગરના જનરલ સેક્રેટરી સુધાબેન પટેલ અને ખજાનચી ચિરાગભાઈ પટેલે પીપળાવમાં વેદાંશી પટેલના નિવાસસ્થાને જઈ સન્માન કર્યું હતું અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી જરૂરી મદદની ખાત્રી આપી હતી. દિવ્યાંગો માટે પ્રેરણાનો શ્રોત બનેલી વેદાંશી શીખવી જાય છે કે મન મક્કમ હોય તો પહાડોને ચીરીને પણ સફળતા સુધીનો રસ્તો શોધીને સફળતા મેળવી શકે છે.
પીપળાવ ગામની અને હાલ સુણાવ સંસ્થામાં અભ્યાસ કરતી આ દિવ્યાંગ દીકરીના પિતા પ્રફુલભાઈ અને માતા હેતલબેન પણ દિવ્યાંગ છે. પોતાના દિવ્યાંગ માતા પિતાની હૂંફ, ધીરજ અને પડકારો ઝીલવાની ક્ષમતામાંથી પ્રેરણા લઇ અને પોતાના ભાઈ તીર્થ પટેલ અને પરિવારના સહયોગથી આ દિવ્યાંગ દીકરીએ બેંગ્લોર ખાતે યોજાયેલા આ પેરા એથ્લેટીક્સ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. વેદાંશીની આ અભૂતપૂર્વ સિદ્ધિએ આપત્તિને અવસરમાં ફેરવીને સમાજના તમામ રમતવીરો અને સંઘર્ષ કરી રહેલા નવયુવાનો માટે દ્રષ્ટાંતરૂપ કાર્ય કરીને પ્રેરણાનો સ્ત્રોત બની છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.