આણંદ જિલ્લામાં આગામી તા.26મી જાન્યુઆરી,2023ના 74 મા પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી બોરસદ ખાતે કરવામાં આવનાર હોઇ જિલ્લા કલેકટર ડી.એસ.ગઢવીના અધ્યેક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર ડી. એસ.ગઢવીએ બોરસદ ખાતે જિલ્લા કક્ષાના 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત પરામર્શ કર્યો હતો. 74 મા પ્રજાસત્તાક પર્વના રાષ્ટ્રી્ય કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કરવામાં આવનાર કામગીરી સંબંધી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
આ ઉપરાંત બેઠકમાં કલેકટરે સમગ્ર કાર્યક્રમ માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની સાથે કાયદો-વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પોલીસ પરેડ, પાર્કિગ, સાફ-સફાઇ સહિત આનુષંગિક વ્યવસ્થાઓની વિગતવાર ચર્ચા કરી સંબંધિતોને માર્ગદર્શન પુરૂં પાડયું હતું. 74મા પ્રજાસત્તાક પર્વ પ્રસંગે બોરસદ ખાતે સવારના 9-00 કલાકે રાજયના આરોગ્ય અને જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે તેની બેઠક દરમિયાન જાણકારી આપવામાં આવી હતી.
બોરસદ ખાતે યોજાનાર 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન બોરસદ ખાતે નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવાની સાથે આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવનાર હોઇ તેની બેઠક દરમિયાન કલેક્ટરે વિગતો આપી વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
બોરસદ ખાતેના 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ આણંદ ખાતે નવનિર્મિત બોરસદ ચોકડી પાસેના બ્રિજનું પણ આરોગ્ય અને જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર હોવાની પણ જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા પ્રવિણ કુમાર, નિવાસી અધિક કલેકટર કે.વી.વ્યાસ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, તમામ ચીફ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.