બાળકોના આરોગ્ય સાથે ચેડાં:આણંદ જિલ્લાની 100થી વધુ શાળાઓમાં સડેલી તુવેર દાળના જથ્થાનું વિતરણ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલ ખુલી જતાં ભોઠા પડેલા પુરવઠા તંત્રએ જથ્થો પાછો મંગાવ્યો
  • શાળાના સંચાલકોએ જિલ્લા પુરવઠા ગોડાઉન અધિકારીને લેખિતમાં રજૂઆત કરતાં તંત્ર દોડતું થયું અને ગંભીર ભૂલ સ્વિકારી

આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રો પર બે માસ અગાઉ એટલે કે વેકેશન પહેલાં તુવેરની દાળનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો. આવેલી તુવેરની દાળ સળી ગયેલી તેમજ જીવાતો વાળી હોવાથી 100થી વધુ શાળાના સંચાલકોએ જિલ્લા પુરવઠા ગોડાઉન મેનેજર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં તંત્રએ તાત્કાલિક જથ્થો બદલી આપવા માટે દોડધામ કરી હતી. સડેલી દાળ શાળાઓમાં આવી હોવાનું જાણીને વાલીઓએ પણ રોષ વ્યકત કર્યો હતો.

કેન્દ્ર સરકાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકો કુપોષિત ના રહે તે માટે પોષણ યુક્ત આહાર આપવાની વાતો કરે છે. પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે ક્યારેક સળેલુ કે બિન આરોગ્ય પ્રદ અનાજ મ.ભો.કેન્દ્રમાં પહોંચી જતાં બાળકોના સ્વાસ્થય સાથે ચેડાં થઇ રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી છે. જિલ્લાની 100થી વધુ શાળાઓને સડેલી તુવેર દાળ મળી હતી. જેને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આણંદ જિલ્લામાં 1069 પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનના કેન્દ્રો ચાલે છે. જેનો લાભ 1.60 લાખ વિદ્યાર્થીઓને મળે છે. દરેક શાળાના કેન્દ્રમાં તાલુકા કક્ષાએથી અનાજનો જથ્થો પહોંચે છે. તાલુકાના ગોડાઉનમાં નાગરિક પુરવઠા નિગમ આણંદના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો. જેમાં શાળાઓ શરૂ થયા બાદ વેકેશન પૂર્વે આવેલ તુવેરની દાળના જથ્થાનું વિતરણ દરેક કેન્દ્રમાં 50થી 75 કિલો કરવામાં આવ્યું હતું. 100થી વધુ શાળાઓના મ.ભો.યોજના સંચાલકો અને શાળાના લેટર પર સડેલી તવુરેદાળ મળી હોવાનું પુરવઠા નિગમના ગોડાઉન અધિકારીને લેખિતમાં મોકલી આપ્યું હતું. એક સાથે 100થીવધુ શાળાઓમાં સડેલુ અનાજ પહોંચી જતાં સંચાલકોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઇને તંંત્ર દોડતું થઇ ગયું હતું.

બે માસ પૂર્વે તુવેરદાળનો જથ્થો આવ્યો હતો
આણંદ જિલ્લા પુરવઠા નિગમના ગોડાઉનમાં વેકેશન પહેલાં તુવેરદાળનો જથ્થો આવ્યો હતો. જે સ્કૂલો શરૂ થતાં વિતરણ કરવામાં આવ્યો હતો. જો કે સડેલી દાળ હોવાની 16થી વધુ સ્કૂલોએ લેખિતમાં રજૂઆત કરતાં તેઓને તુવેરદાળનો જથ્થો બદલી આપવામાં આવ્યો હતો. સડેલી દાળનો જથ્થો સરકારના ગોડાઉનમાં પરત કરવામાં આવશે. > નેહાબેન ડાકોરકર, મેનેજર, પુરવઠા નિગમ ગોડાઉન આણંદ

નિગમના ગોડાઉનમાં પુરતી સુવિધા નથી
આણંદ બોરસદ ચોકડી પાસે આવેલા પુરવઠા નિગમના અનાજના ગોડાઉનમાં સામાન્ય વરસાદે પાણી ભરાઇ જાય છે. ચારથી પાંચ દિવસ સુધી પાણી ભરાઇ રહેતાં ગંદકીનું સામ્રાજ્ય છવાઇ જવાના કારણે જીવાતો અને કિડાનો ઉપદ્રવ વધી ગયો હતો. જેના કારણે ગોડાઉનમાં અનાજના કટ્ટાને ભારે નુકશાન થાય છે. આ દર ચોમાસાનો પ્રશ્ન છે તેમ છતાં કોઇ પગલાં લેવાતા નથી. વિકાસની વાતો વચ્ચે બાળકોને મોકલાતો અનાજનો જથ્થો રખાય છે ગોડાઉનની મરામત પણ કરવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...