આણંદ જિલ્લામાં ચોમાસા દરમિયાન ઘણા માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાય ગયા હતા. પરંતુ તંત્ર દ્વારા માર્ગોના સમારકામમાં વેઠ ઉતારવામાં આવી છે. માત્ર થીંગડાં માર્યા હોવાથી ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આણંદ સમારખા ચોકડીએ માર્ગનું સમારકામ કરવામાં ફક્ત થીંગડાં જ લગાવવામાં આવ્યા છે. આ જ રોડ પર સદાનાપૂરા પાસે છેલ્લા ઘણા સમયથી ખાડા પડી ગયા છે. સાંજના સુમારે આણંદથી પરત જતાં અનેક લોકો આ ખખડધજ રોડને પગલે અકસ્માતનો ભોગ બને છે.
સામરખા ચોકડીથી લીંગડા સુધીનો રોડ પહોળો કરવામાં અનેક વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. જે ઝાડના ઘણી જગ્યાએ ખાડા પણ યોગ્ય રીતે પૂરવામાં આવ્યા નથી. સદાનાપુરા બસ સ્ટેન્ડ સામે ઘટાદાર વડ હતો જે કાપ્યા બાદ લાકડા હટાવવામાં માર્ગ બિસ્માર બન્યો હતો જેનું પેપર વર્ક કરવામાં આવ્યું નથી.
સામરખાથી અજરપુરા રોડ પર લીમડા પાસે પણ મુખ્ય માર્ગ બિસ્માર અને ખખડધજ બની ગયો છે. ટી પોઇન્ટ જેવા આ માર્ગે ક્યારેક ગંભીર અકસ્માત થવાની દહેશત વ્યકત થઈ રહી છે. આ માર્ગનું છેલ્લા ઘણા સમયથી નવીનીકરણ કરવામા આવ્યું નથી જેના પગલે આ માર્ગ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે. લોકમુખે થતી ચર્ચા મુજબ આ માર્ગ મંજૂર કર્યા છે પરંતુ તંત્રને જ્યાં આર્થિક ફાયદો વધુ મળે તેવા કામને ધ્યાન વધુ આપવામાં આવે છે. જ્યારે અકસ્માત ઝોન સમાન બનેલ માર્ગોના સમારકામ માટે ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.