ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સમયથી કોંગ્રેસના ગઢ ગણતાં આણંદ જિલ્લામાં 7 દાયકાથી કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળતું હતું. ભાજપે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું નામો નિશાન મિટાવી દિધું હતું. જેના પગલે વર્ષોથી કોંગ્રેસના સાથે રહીને તેની વિચારધારાને વળગી રહેલા કોંગ્રેસી નેતાઓ પંજાનો હાથ છોડીને ભાજપનું કમળ પકડી લેતા જિલ્લામાં કોંગ્રેસનો રકાસ થઇ રહ્યો હતો.
ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળે કોંગ્રેસના નેતા કે મોટા કાર્યકરો ભાજપમાં જોડાઇ ત્યારે કોંગ્રેસ પક્ષનો ધબ્બો ના લાગે તે માટે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ, 8 તાલુકા સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના માળખાને વેરવિખેર કરી દીધું છે. જેના કારણે આણંદ શહેરમાં આવેલ કોંગ્રેસ સમિતિને છેલ્લા 1 માસથી તાળા વાગી ગયેલા જોવા મળે છે.
આણંદ જિલ્લાના એક કોંગ્રેસી નેતાની મનમાનીને કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલે કોંગ્રેસના રામરામ કરી દીધા હતાં. તે અગાઉ તો ખેડા જિલ્લામાં આખે આખું કોંગ્રેસ સંગઠન ભાજપમાં જોડાઇ ગયું હતું. હાલમાં જ આણંદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમાર જે છેલ્લાં ત્રણ દાયકાથી કોંગ્રેસની વિચારધારાથી રંગાયેલા હતા તેવા નેતાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા હતા.
ત્યારબાદ આણંદ શહેરના કોંગ્રેસી કાર્યકરો સહિત જિલ્લાના કોંગ્રેસી કાર્યકરો, વિવિધ સમિતિના હોદ્દા પરથી રાજીનામા આપવાનો સીલસીલો ચાલુ હતો. તેના કારણે કોંગ્રેસ પક્ષનું નામ બગડી રહ્યું હતું. તેને ધ્યાને લઇને ગુજરાત પ્રદેશ મોવડી મંડળના નેજા હેઠળ સરકીટ હાઉસમાં મળેલી મિટીંગમાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિઓ અને શહેર કોંગ્રેસ સમિતિના માળખાને વિખેરી નાંખ્યું છે.
આગામી બે માસમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠન દ્વારા નવા માળખાની રચના કરાનાર છે. જેમાં કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા યુવાવર્ગને તક અપાશે. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે, હાલમાં કેટલાંક લેભાગુ કાર્યકરોને કારણે કોંગ્રેસ બદનામ થઇ રહી છે. ત્યારે પક્ષનું નામ બદનામ ન થાય તેમજ જેને ભાજપ કે અન્ય પક્ષમાં જવું હોય તો જતા રહે અને કચરો સાફ થઇ જાય.
સંગઠનનું માળખું કેટલાંક સમયથી નબળુ પડ્યું
આણંદ જિલ્લામાં કોંગ્રેસ સંગઠનનું માળખું છેલ્લાં કેટલાંક સમયથી નબળુ પડ્યું છે. તેમજ હાલમાં કેટલાંક કાર્યકરો રાજીનામ આપી રહ્યાં છે. જેને ધ્યાને લઇને હાલમાં આણંદ જિલ્લા કોંગ્રેસના તમામ માળખાને વિખેરી નાંખવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં નવું માળખું તૈયાર કરાશે. જેમાં કોંગ્રેસની વિચારધારા ધરાવતા યુવા કાર્યકરોને તક આપીને પુનઃ કોંગ્રેસ મજબૂત બનાવવાના પ્રયાસ કરાશે. > અમીત ચાવડા, પૂર્વ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
2 માસમાં 200થીવધુ કાર્યકરોએ હાથ છોડ્યો
આણંદ જિલ્લા કોંગ્રેસ સંગઠન 1965થી મજબુત હતું. તેનો કાંકરો ખેરવવો પણ ભાજપ માટે મુશ્કેલ હતો. હવે ભાજપના ભગવા પ્રવાહે દિશા અને દશા બંને બદલી નાંખી છે. જિલ્લામાં કોંગ્રેસનું નામો નિશાન ન રહે તેવી સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે જિલ્લા પંચાયતથી લઇને તમામ તાલુકા પંચાયત, સહકારી મંડળી અને 60 ટકા ગ્રામ પંચાયતોમાં ભાજપનું શાસન જોવા મળે છે. વિધાનસભાની ચૂંટણી ટાંણે પેટલાદના ધારાસભ્ય અને ચૂંટણી બાદ છેલ્લા બે મહિનામાં આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમાર સહિત 200થી વધુ કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.