આક્રોશ:આણંદ નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા સહિતના હોદ્દાઓની નિમણુંક બાબતે કોંગ્રેસમાં અસંતોષ ભભૂક્યો

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લાની યાદી જાહેર કરવામાં આવી

આણંદ જીલ્લા કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુર્ણ થયે ત્રણ માસનો સમય વીતી ગયા બાદ પણ જીલ્લા, તાલુકા અને પાલિકાઓમાં વિરોધ પક્ષના નેતા, ઉપનેતા અને દંડકની નિમણુંક થતી નહોતી.જેને લઈ પક્ષની અંદરના આંતરકલહ અને ચૂંટાયેલ સભ્યોમાં આંતરિક હરીફાઈ ની ચર્ચાઓએ રાજકીય વાતાવરણ ધમરોડયું હતું. જોકે ગુરુવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આણંદ જીલ્લાની યાદી જાહેર કરવામાં આવી હતી. આણંદ નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા સહિતની વરણીને લઈ કોંગ્રેસમાં અસંતોષનો અગ્નિ ભડક્યો છે.

રાજ્ય અને દેશમાં સતત પ્રજાપ્રિયતાથી દુર થતી કોંગ્રેસ તેના સંગઠન વલણમાં પણ સુધારો કરી શકતી નથી. સંગઠન અને સત્તામાં એકસૂત્રતા જાળવતા ભાજપ સામે સંગઠન અને સત્તામાં આંતરિક સંઘર્ષ અને આંતરકલહથી ઝઝૂમતી કોંગ્રેસ હાંફી રહી છે. આંતરિક યુધ્ધમાં જ રત કોંગ્રેસીઓને જોઈ ભાજપીઓ તો હાંસી ઉડાવી રહ્યાં છે. અને પ્રજા અને કોંગી મતદારોમાં પણ કોંગ્રેસની જિલ્લા અને પ્રદેશની નેતાગીરીને લઈ પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. વર્ષો વર્ષની કોંગ્રેસની પરંપરા મુજબ નેતાઓના ખાસ અને નેતાના નજીકનાઓના ખાસ કાર્યકરો આગેવાનોને જ મહત્વના હોદ્દે તક મળતો હોવાનો જાહેર બળાપો અને આક્રોષ ચૂંટાયેલા કોંગી સભ્યોમાં ઉઠ્યો છે. આણંદ નગરપાલિકાના અસંતોષી સભ્યો આ બાબતે આણંદ ધારાસભ્ય અને પ્રદેશ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરવા એક થયા છે. જોકે આ સભ્યોનો અસંતોષ ટાળવા કોંગી સંગઠનનું ગ્રુપ કામે લાગ્યું છે.

આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના વિરોધ નેતા, ઉપનેતા અને દંડકની વરણી કરવામાં આવી છે. આણંદ પાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે સલીમશા કાલુશા દિવાન, ઉપનેતા તરીકે ડો. જાવેદભાઈ વ્હોરા અને દંડક તરીકે ડો. પલક વર્માને નિમણુંક કરવામાં આવી છે. આણંદ તાલુકા પંચાયતમાં વિપક્ષના નેતા તરીકે પુનમભાઈ શીવાભાઈ પરમાર, ઉપનેતા તરીકે ઈશુભા છત્રસિંહ રાઠોડ, દંડક તરીકે ચિરાગસિંહ કે. મહીડા, તેમજ બોરસદમાં વિપક્ષના નેતા તરીકે રામસિંહ આર. સોલંકી, ઉપનેતા તરીકે રમણભાઈ કે. ગોહેલ, દંડક તરીકે મહેશ એચ. કાછિયા પટેલ, ઉપરાંત પેટલાદમાં વિપક્ષના નેતા તરીકે સુરેશભાઈ કે. પરમાર, ઉપનેતા તરીકે જગદીશભાઈ પી. ઠાકોર, દંડક તરીકે હરીશભાઈ બારૈયા ની નિમણુંક કરવામાં આવી છે.

ખંભાત તાલુકામાં વિપક્ષના નેતા તરીકે શનાભાઈ બી.ઝાલા, ઉપનેતા તરીકે ઉષાબેન બી. પટેલ, દંડક તરીકે અનિલભાઈ પરમાર, તારાપુરમાં વિપક્ષના નેતા તરીકે વિજય એચ. ચૌહાણ, ઉપનેતા તરીકે અજયસિંહ નટુસિંહ ગોહેલ, દંડક તરીકે ધીરુભાઈ એ. રાઠોડ તેમજ ઉમરેઠમાં વિપક્ષના નેતા તરીકે અબ્દુલમજીદ એચ. મલેક, ઉપનેતા તરીકે રાજેન્દ્રભાઈ એમ. સોલંકી, દંડક તરીકે કોકીલાબેન જે. પરમાર, ઉપરાંત ઉમરેઠ નગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે સંજયકુમાર એમ. પટેલ, ઉપનેતા તરીકે સાહીનબાનુ એમ. કારીગર, દંડક તરીકે લવકુમાર જોષી, ખંભાત નગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે પ્રફુલભાઈ એમ. ચુનારા, ઉપનેતા તરીકે નીતીનભાઈ રઘુનાથજી બ્રહ્મભટ્ટ, દંડક તરીકે ઈફતેખાર હુસેન યમનીની વરણી કરાઈ છે.

આ અંગે આણંદ નગરપાલિકાના વોર્ડ નં 3 ના કાઉન્સીલર ઈલ્યાસ આઝાદે બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ જિલ્લા પ્રમુખે આણંદ ધારાસભ્ય કે અન્ય અગ્રણી આગેવાનોએ ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા સિવાય કે નામો અંગે ચર્ચા વિચારણા કર્યા સિવાય મનમાની રીતે તેમના નજીકનાઓના નામો જાહેર કર્યા છે. અમે આ નિમણુંક સામે ધારાસભ્ય અને પ્રદેશ નેતાઓને રજુઆત કરીશું.

અન્ય સમાચારો પણ છે...