બોરસદ નગરપાલિકામાં ભાજપનું આંતરિક રાજકારણ અચાનક સપાટી પર આવ્યું છે. પાલિકાના વિપક્ષોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી છે, જેમાં તેમને ભાજપ જ કેટલાક અસંતુષ્ઠ નગરસેવકોનો બહારથી ટેકો હોવાનો ગણગણાટ ઉભો થયો છે. જેના પગલે રાજકારણ ગરમાયું છે. આ દરખાસ્ત પર આગામી દિવસોમાં મળનારી સામાન્ય સભામાં પ્રમુખને બહુમતી સાબિત કરવી પડશે.
પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થતા રાજકારણ ગરમાયું
બોરસદ નગરપાલિકાના પ્રમુખ આરતીબહેન પટેલ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત આવી હોય નગરનું અને જિલ્લા ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયુ છે. ભાજપના અસંતુષ્ટ નગરસેવકો અને આમ આદમી,અપક્ષના સભ્યોએ એકજુથ થઈ પાલિકા પ્રમુખ આરતી પટેલની સત્તાને પડકારી છે. ગત સામાન્ય સભામાં વિકાસના કામોને લઈ હોબાળા બાદ અચાનક વિપક્ષી પાલિકા સભ્યોએ કરેલા નિર્ણયને ભાજપના સભ્યોનું પણ સમર્થન મળી રહેતા જિલ્લા ભાજપની ટીમ પણ દોડતી થઈ ગઈ છે.
બોરસદ નગરપાલિકામાં હાલ ભાજપ પાસે બહુમતી છે
બોરસદ નગરપાલિકામાં હાલ ભાજપની બહુમતી હોવા છતાં આંતરિક ટાંટિયા ખેંચને લઈ વહીવટી હાલત બેહાલ બની છે. પાલિકા પ્રમુખ આરતીબેન પટેલ વિરૂધ્ધ અપક્ષ અને આમ આદમી પાર્ટીના 16 સભ્યો એ અવિશ્વાસની દરખાસ્ત કરી છે અને તેઓને ભાજપના જ 12 સભ્યોના છુપા આશીર્વાદ હોવાની વિગતો મળી રહી છે. હાલ ત્રણ દિવસ અગાઉ મળેલ સામાન્ય સભાના થયેલા વિવાદ બાદ વિપક્ષ ભાજપના અસંતુષ્ટ સભ્યો સાથે રાજકીય સાંઠગાંઠ કરી અવિશ્વાસની દરખાસ્તનો તખ્તો તૈયાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અવિશ્વાસની દરખાસ્તમાં વર્ણવ્યા મુજબ પાલિકા પ્રમુખ આરતી પટેલ વિકાસના કામો કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેઓની કામ કરવાની પદ્ધતિ સામે સભ્યોની ખૂબ મોટી નારાજગી હતી. આપખુદશાહીથી વહીવટ કરતા હતા. તેઓ સાથી સભ્યોને વિશ્વાસમાં લેતા નહોતા તેમજ ચૂંટાયેલ સભ્યો અને નગરજનોએ કરેલ અરજીનો પણ નિકાલ કરતા નહોતા.
ભાજપના 12 થી 14 સભ્યો પ્રમુખની કામગીરીથી નારાજ હોવાની ચર્ચા
મહત્વનું છે કે બોરસદ નગરપાલિકામાં કુલ 36 સભ્યો છે જેમાં ભાજપના 20 એક સસ્પેન્ડ થતા હાલ 19 સભ્યો તેમજ આપ પાર્ટીના 1 ,કોંગ્રેસના 6 અપક્ષના 9 સભ્યો ચૂંટાયેલ છે.આમ જોવા જઈએ તો ભાજપ બહુમતીથી સત્તા ભોગવી રહી હતી.પરંતુ હાલ ભાજપના જ 12 થી 14 સભ્યો પણ પાલિકા પ્રમુખ આરતીબેન પટેલથી નારાજ થઈ વિપક્ષને છુપી મદદ કરી રહ્યા છે.હવે ભાજપનું મોવડી મંડળ આ પરિસ્થિતિમાં કેવા સમાધાનકારી વલણથી આ અસંતોષને ટાળવા પગલાં ભરશે તે જોવું રહયુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.