ભાસ્કર બ્રેકિંગ:વર્ષ 2017-18માં SP યુનિવર્સિટીનાં તત્કાલિન VCએ રિએડવર્ટાઈઝ કરેલી જગ્યામાં ગૂગલ લિન્ક મોકલીને ભરતી કરી હોવાનો ઘટસ્ફોટ

આણંદ21 દિવસ પહેલાલેખક: મેહુલ મેકવાન
  • કૉપી લિંક
RTI બાદ ભરતી પ્રક્રિયા પર સ્ટે અપાયો - Divya Bhaskar
RTI બાદ ભરતી પ્રક્રિયા પર સ્ટે અપાયો
  • સરદાર પટેલ યુનિવર્સિટી બની સગાં પહેલાં યુનિવર્સિટી
  • આ પરીક્ષામાં ઉમેદવાર રહીં ચૂકેલા એડવોકેટ અરજદારે RTI હેઠળ માહિતી માંગતા ભરતી પર રોક

કૃષિમાં રાજ્યવાર-પ્રદેશવાર જુદા-જુદા પાકના ઉત્પાદન અને તેના ખર્ચ અંગેની આંકડાકીય માહિતી એકત્રિત કરવાની આવશ્યકતા ઊભી થતી હોય છે. આ ડેટા એકત્રિત કરવા માટે ફિલ્ડમેનની જરૂરીયાત ઉભી થાય છે. જેના અનુસંધાને વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં આવેલા એગ્રો ઈકોનોમિક રીસર્ચ સેન્ટરના કોસ્ટ ઓફ કલ્ટીવેશન સ્કીમ અંતર્ગત 15 ફિલ્ડમેનની જગ્યા ભરવા માટે વર્ષ 2017-18માં જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જે અંતર્ગત 22મી ડિસેમ્બર, 2017ના રોજ જાહેરાત ક્રમાંક નંબર સીસીએસ/01/એફએમ/2017થી જાહેરાત આપવામાં આવી હતી. જેમાં સ્ક્રુટીની કરીને પરીક્ષા આપવા માટે લાયક ઉમેદવારોનું શોર્ટ લિસ્ટ તૈયાર કરાયું હતું.

આ દરમિયાન, વર્ષ 2018માં 29મી જુલાઈના રોજ પ્રાથમિક પસંદગી માટે લેખિત પરીક્ષાનું આયોજન કરી લેખિત પરીક્ષા લેવાઈ હતી. ત્યારબાદ, કેટેગરી વાઈઝ શોર્ટ લિસ્ટેડ કરાયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવા માટેનું લીસ્ટ તૈયાર કરાયું હતું. જે બાબતે યુનિવર્સિટીના તત્કાલિન વાઈસ ચાન્સેલર શિરીષ કુલકર્ણી પાસે મંજૂરી માગતાં તેઓ તરફથી ભરતી રીએડવર્ટાઈઝ કરવાનો આદેશ કરાયો હતો.

આમ, વર્ષ 2017ની જાહેરાતને પુન: પ્રકાશિત કરવાને બદલે આ પોસ્ટ પર ભરતી કરવા માટે વર્તમાન સત્તાધીશોએ ચાલુ વર્ષે માર્ચમાં ન્યૂઝ પેપરમાં કે સંસ્થાના વેબ પોર્ટલ પર કોઈ પણ પ્રકારની જાહેરાત આપ્યા વિના ગુગલ લિન્ક ક્રિએટ કરી દીધી હતી અને 11 મહિનાના કરાર આધારિત 15 ખાલી જગ્યાઓ ભરવા માટેની આ લિન્ક સોશિયલ મીડિયામાં લાગતા-વળગતાઓમાં મોકલી પણ દેવાઈ હતી.

લિન્કમાં પાંચમી માર્ચ, 2022ના રોજ સાંજે છ વાગ્યા સુધી જ ભરી શકાય તેમ પણ જાહેર કરાયું હતું. જોકે, સમગ્ર મામલે કંઈ રંધાયું હોવાની જાણ થતાં જ વર્ષ 2017ની ભરતી પ્રક્રિયામાં ઉમેદવાર રહી ચૂકેલા પેટલાદ તાલુકાના હિતેશ રોહિતને કાને વાત આવતાં તેમણે સમગ્ર મામલે આરટીઆઈમાં માહિતી માગી હતી. જેને પગલે ગૂગલ લિંકથી કરાતી ભરતી પ્રકિયા પર જ સ્ટે આપી દેવાયો છે.

ગુગલ લિન્ક કેમ ગેરકાયદે છે?
જાહેર સંસ્થાઓમાં જ્યારે પણ ભરતી કરવામાં આવે ત્યારે ભારતના દરેક નાગરિકને સમાન હક મળે તે જરૂરી છે. અલબત્ત, સંવિધાનમાં અનુચ્છેદ 16 પ્રમાણે દરેકને નોકરીની સમાન તક મળે તેવો ઉલ્લેખ છે. જોકે, આમ છતાં સમગ્ર બનાવમાં ગુગલ લિન્ક લાગતાં-વળગતાંને જ મોકલી આપી અન્યાય કરાયો છે.

5 લાખ આપો તો જ નામ પસંદ થાય!
ફિલ્ડમેનની જગ્યા પર ભરતી કરવા માટે યુનિવર્સિટીના પસંદ થયેલા ઉમેદવારો પાસેથી પાંચ લાખની માંગણી કરાઈ હોવાની પણ ચર્ચાએ જે તે સમયે ખૂબ જોર પકડ્યું હતું. એવું કહેવાય છે કે, જગ્યા તો કરાર અાધારિત હતી પરંતુ એ પછી તેને કાયમીમાં રૂપાંતરીત કરવાની હતી. આમ 20 હજારના પગારથી ભરતી કર્યા બાદ ઉમેદવારોને બાદમાં 30થી 35 હજાર પણ મળી શકત.

લીંક ક્રિએટ-ફોરવર્ડ કરનાર સામે કાર્યવાહી કેમ નહીં
વર્ષ 2019માં 18મી એપ્રિલે કોસ્ટ ઓફ કલ્ટીવેશન (સીસીએસ)ના ડાયરેક્ટર તથા ફિલ્ડ ઓફિસરની સહીથી ભરતી રદૃ કરવા, નવેસરથી ટૂંક સમયમાં ફરીથી ભરતી આપવા લિન્ક કાયદેસરની ન હોવાથી આવી િલન્ક જે પણ વ્યક્તિએ ફેલાવેલી હોય, ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરી સંસ્થાના નામે ઓફિશયલ જાહેરાત આપ્યા સિવાય જે પણ વ્યક્તિએ આવી લિન્ક ક્રિએટ કરીને ફેલાવેલી હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

પદભ્રષ્ટ કુલપતિનો નિર્ણય હજુ કેમ રદ કરાયો નથી?
વર્ષ 2017ના નિયમોમાં તત્કાલિન કુલપતિ શીરીષ કુલકર્ણી દ્વારા જે ફેરફાર કર્યો હોય તેમને જ સુપ્રિમ કોર્ટ દ્વારા વાઈસ ચાન્સેલરના પદ માટેની લાયકાત ન હોય સુપ્રિમ કોર્ટ દ્વારા તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. જેને પગલે તેમના નિર્ણયને રદબાતલ કરી વર્ષ 2017ની ફિલ્ડમેનની ભરતી પ્રક્રિયા રીઓપન કરી જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવવો જોઈએ.

2017 પ્રમાણે જ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાય તેવી માગ
અરજદાર હિતેશ રોહિત દ્વારા જાન્યુઆરી 2022માં માસિક પ્રગતિ રિપોર્ટની નકલ મેળવવામાં આવી હતી. જેમાં ફિલ્ડમેનની કુલ જગ્યા 60માંથી રેગ્યુલર 45 જગ્યા ભરેલી હતી. તથા ખાલી જગ્યાઓ 15 બતાવી છે. તેમાં કોઈ જ જગ્યાએ કરાર આધારિત જગ્યા ભરવાનો ઉલ્લેખ કરાયો નહોતો. નોંધનીય બાબત તો એ છે કે, ફિલ્ડમેનની ભરતી કરાર આધારિત 11 મહિના માટે નિમણૂંક આપવા માટે કોઈ જાહેરાત વર્તમાનપત્ર કે સંસ્થાની વેબ પોર્ટલ પર પ્રસિદ્ધ કરાઈ નથી. હવે આ ભરતી પ્રક્રિયા રદૃ કરાવી અને અગાઉના વર્ષ 2017માં જે નીતિ નિયમોના આધારે પ્રાથમિક કસોટી દ્વારા જે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ તે પ્રક્રિયા રીઓપન કરી તે પ્રમાણે જ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાવવાની માંગ કરવામાં આવી છે.

કેટલાંય ઉમેદવારોએ ભરતીની આશા જ છોડી દીધી છે
સમગ્ર ભરતીમાં આવેલી અરજીઓમાંથી રીશફલિંગ કર્યા બાદ લેખિત પરીક્ષા માટે એસસીમાંથી 20, એસટીમાંથી 10 અને એસઈબીસીમાંથી કુલ 47 ઉમેદવારો પર પસંદગીનો કળશ ઉતારવામાં આવ્યો હતો. લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો પૈકી એસસી અને એસટીમાં પાંચ-પાંચ અને એસઈબીસીમાં 15 ઉમેદવારોને પાસ જાહેર કરાયા હતા. જોકે, આ 25 ઉમેદવારો કોણ છે તે માહિતી આજદિન સુધી ઊજાગર થઈ નથી. વધુમાં પાંચ વર્ષ અગાઉ કરાયેલી જાહેરાત હજુ પણ પેન્ડિંગ હોય હવે પાસ થયેલા ઉમેદવારોને પણ વયમર્યાદા નડી શકે એમ છે. યુનિવર્સિટીના ભરતી કૌભાંડમાં અવાર-નવારના ગોટાળાઓને કારણે જ અનેક ઉમેદવારોએ તો આશા પણ છોડી દઈને અન્ય વ્યવસાય પસંદ કરી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...