• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Director's Notice: Catch Stray Animals And Vaccinate Them, Municipality Did Nothing For 4 Days On The Pretext Of Lack Of Staff

લમ્પી ઇફેક્ટ:નિયામકની સૂચના: રખડતાં પશુને પકડી રસી મૂકો, સ્ટાફ ન હોવાના બહાને પાલિકાએ 4 દિવસ કશું ન કર્યું

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ શહેરમાં 4 હજારથી વધુ રખડતા ઢોર, તંત્રના ચોપડે ઢોર કે માલિકોની કોઇ નોંધ નહીં
  • પશુપાલન ખાતું એલર્ટ, પાલિકા સુસ્ત
  • તંત્રની તવાઇ આવતા હવે આજથી ઝુંબેશ શરૂ કરવા એલાન : હવે સ્ટાફ કયાંથી લાવશે તે યક્ષ પ્રશ્ન

આણંદ શહેરમાં છેલ્લા એક દાયકાથી રખડતાં પશુઓનો પ્રશ્ન માથાના દુઃખાવા રૂપ બની ગયો છે. તેમાંય લમ્પીનો વાઇરસ ફેલાતા પશુપાલન વિભાગના નાયબ નિયામકે આણંદ પાલિકાને રખડતાં પશુઓ માર્ગો પરથી પકડીને રસી મૂકવા અનેે પશુમાલિકોને તાકીદ કરવા જણાવ્યું હતું. તેમ છતાં પાલિકા દ્વારા સ્ટાફ ન હોવાનું બહાનુ કાઢીને ચાર દિવસ કોઇ કાર્યવાહી કરાઇ નથી.શહેરમાં હાલ રખડતા પશુની સંખ્યા 4 હજારથી વધુ છે, નવાઇની વાત એ છે કે પાલિકાના ચોપડે પશુઓની કે તેના માલિકોની નોંધ જ નથી.

પશુપાલક વિભાગ દ્વારા વારંવાર સુચના આપતાં આખરે પાલિકાએ શુક્રવારથી રખડતાં પશુ પકડવાનું રણશિંગુ ફુકયું છે.પાલિકાની બેદરકારીને કારણે રોજ અમૂલ ડેરી રોડ, ગ્રીડ ચોકડી, બસ સ્ટેશન વિસ્તાર અને સોસાયટીના માર્ગો પર રખડતાં પશુના ઝુંડ જોવા મળે છે.જો કોઇ લમ્પીગ્રસ્ત પશુ અન્ય પશુના સંપર્કમાં આવી જાય તો આખું ઝુંડ લમ્પીનો ભોગ બને તેવી શકયતા છે. ત્યારે લમ્પીને કાબૂમાં લેવાનું કામ મુશ્કેલ બની જશે.

તંત્રની તવાઇ આવતા પાલિકાએ કોઇ પણ જાતનું રજિસ્ટ્રેશન ન હોવા છતાં માત્ર ઢોર પકડવાની કામગીરી શુક્રવારથી કરાશે તેવી જાહેરાત કરી છે. ચીફ ઓફિસર એસ કે ગરવાલે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા સૂચના અપાતા પશુપાલકોને હાલ પુરતાં ઢોર છુટા ન મુકવા મૌખિક જાણ કરાઇ હતી. શુક્રવારથી રખડતાં ઢોર પકડવાની કામગીરી કરાશે. જયારે નાયબ પશુપાલક નિયામક ડો. સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, રખડતાં પશુઓને પકડીને એક જગ્યાએ લવાશેે તો વેક્સિન મુકવા વ્યવસ્થા કરી છે.

રખડતાં ઢોરોથી વાઇરસનો ફેલાવો કેમ વધુ થાય?
{ રખડતાં પશુ ઝુંડમાં બેસતા હોવાથી કોઇ પશુ બિમાર કે લમ્પીગ્રસ્ત હોય તો સંપર્કમાં આવતા ચેપ લાગવાની સંભાવના વધી જાય છે.
{ બિમાર પશુ પર બેઠેલા મચ્છરો અને માખી વાઇરસનો ફેલાવો વધારે.
{ રખડતા પશુ લમ્પીગ્રસ્ત હોય અને કોઇ માનવી તેને અડી જાય અને પછી અન્ય કોઇ પશુને અડે તો પણ ચેપની શકયતા વધી જાય છે.

કોન્ટ્રાકટરે હાથ અધ્ધર કરી દેતાં પાલિકા સલવાઇ
આણંદ નગરપાલિકાના ઢોર ડબ્બા વિભાગમાં છેલ્લા 8 માસથી કોઇ સ્ટાફ નથી. તેમજ કોન્ટ્રાકટરે પણ હાથ અધ્ધર કરી દીધા છે.તેના કારણે ઢોર પકડવાની કામગીરી બંધ છે. ઢોર ડબ્બામાં 8 કર્મચારીના સ્ટાફની જરૂર છે. તેની સામે એક પણ કર્મચારી નથી. જેથી હવે જોવાનું એ રહ્યું કે શુક્રવારે ઢોર પકડવા પાલિકા કોને મેદાનમાં ઉતારે છે. કે પછી દર વખતની જેમ જાહેરાત કરીને હાથ અધ્ધર કરશે તે પ્રશ્ન સૌને મુંઝવી રહ્યો છે.

લોટીયા ભાગોળ પાસે ગાયે મહિલાને શિંગડે ભેરવી
આણંદ શહેરના લોટીયા ભાગોળ થી ગોપીટોકીઝ માર્ગ પર બેકરી નજીક 10થી 15 ગાયો બેઠી હતી. ત્યારે એક મહિલા મોપેડ લઇને ગાયની નજીક પસાર થતાં હતા, ત્યારે અચાનક જ ગાયે મોપેડચાલક મહિલાને શિંગડે ભેરવતાં રોડ પર પટકાઇ હતી. જેમાં મહિલાને સામાન્ય ઇજા થઇ હતી. જો કે પાછળથી આવતી કારના ચાલકે બ્રેક મારતાં ગાય ભાગી ગઇ હતી.શહેરના રસ્તા પર બેઠેલી બિમારી ગાયો દ્વારા અચાનક જ હુમલા કરવાના બનાવો વધી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...