બોરસદમાં આ વરસે મેઘમહેરથી સામાન્ય પ્રજા હેરાન પરેશાન થઇ ગઇ છે. પ્રિ-મોન્સૂન પ્લાનમાં જર્જરિત મકાનો ઉતારી લેવા સંદર્ભે કલેક્ટરે કડક સુચના આપી હોવા છતાં પાલિકા દ્વારા આ સુચના અંગે આંખ આડા કાન કરવામાં આવ્યાં છે. બોરસદના મોટી ગોલવાડમાં વ્હેલી સવારે જર્જરિત મકાન પડતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, કોઇ જાનહાની ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
અન્ય 3 મકાન પણ જર્જરિત
બોરસદના મોટી ગોલવાડ વિસ્તારમાં આવેલી આશા ઘેલાની ખડકીમાં સોમવાર સવારના સુમારે એક વર્ષો જૂના જર્જરિત મકાનની દીવાલ ધડાકાભેર તુટી પડી હતી. જોકે, વ્હેલી સવારે બનાવ બન્યો હતો, જેથી અહીં કોઇ અવર જવર ન હોવાથી જાનહાની ટળી હતી. પરંતુ આ વિસ્તારમાં અન્ય 3 મકાન પણ જર્જરિત છે. તે પણ હવે ગમે ત્યારે તુટી પડે તેવો ભય ઉભો થયો છે. આથી, આસપાસના રહિસો ફફડી રહ્યાં છે. આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ પગલાં ભરવામાં આવેની માંગ કરવામાં આવી છે.
જમીન દોસ્ત થયેલા મકાન વર્ષો જૂના
સુત્રોએ જણાવ્યું હતું કે, જમીન દોસ્ત થયેલા મકાન વર્ષો જૂના છે. જે હાલ વરસાદી પાણીથી ધોવાઇને સોમવારે પડી ભાંગ્યું હતુ. આ વિસ્તારમાં અન્ય પણ ઘરો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જે ગમે ત્યારે તૂટી પડે તેમ છે. જે અંગે અહીંના રહીશો દ્વારા પહેલા અનેક વખત તંત્રને રૂબરૂ અરજી આપીને જાણ પણ કરવામાં આવી હતી. પરંતુ ઘોરનિંદ્રામાં સુતું તંત્ર સોમવારે પણ પોતાની આળસ ખંખેરીને જાગવા તૈયાર નથી. અહીં બે ખંડેર મકાન તો એવા છે કે જે રસ્તેથી પસાર થતા ડીજેનો મોટો અવાજ પણ થાય તો મકાનની દિવાલમાંથી પોપડા ઉખડીને રેતી પડવા લાગે છે. આવા ખંડેર મકાનો ગમે ત્યારે પડી ભાંગે તો અન્ય ઘરોને પણ જપેટમાં લઈને મોટું નુકસાન સર્જી શકે તેમ છે. આ વિસ્તારમાં આવેલા આવા અન્ય મકાનો ગમે ત્યારે પડીને મોટું નુકસાન સર્જે તેની તંત્ર કદાચ રાહ જોઈને બેઠું હોય તેમ જણાય રહ્યું છે.
નગરના જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવશે
બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ જણાવ્યું હતું, પ્રિ-મોન્સુનના ભાગરૂપે જર્જરિત મકાનોને ઉતારી લેવા માટે અગાઉ નોટીસ આપવામાં આવી હતી. આમ છતાં હાલ ભારે વરસાદના પગલે આવા મકાનો તાત્કાલિક ઉતારી લેવા માટે ફરી નોટીસ આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.