સોજીત્રા તાલુકાની 5 ગ્રામ પંચાયતમાં ઓનલાઇન સુવિધાનો અભાવ તેમજ વર્ષોજૂના જર્જરીત મકાનો કારણે ગ્રામજનો સહિત સ્ટાફને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સોજીત્રા તાલુકાની ડાલી, રૂણજ, પલોલ, મેઘલપુર, ગાડા, દેવાતજ ગ્રામ પંચાયતોના મકાનો જર્જરિત થઇ જવા સહિત આધુનિક ઉપકરણો, સરકારની ઓનલાઇન સુવિધાના અભાવે ગ્રામજનોને વિવિધ દાખલા મેળવવા સહિતની પરેશાની અનુભવવી પડી રહી છે. આ ગ્રામ પંચાયતોને સત્વરે નવા સુવિધાજનક મકાનો, ઓનલાઇન સીસ્ટમ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ થવા પામી છે.
સ્થાનિકોના જણાવ્યાનુસાર ડાલી ગ્રામ પંચાયતના જૂના મકાનને તોડી નાંખવામાં આવ્યું છે. હાલ કોમ્યુનિટી હોલમાં ગ્રામ પંચાયત કાર્ય કરી રહી છે. જયારે રૂણજમાં 1959માં બનેલ ગ્રામ પંચાયતનું મકાન જીર્ણ થવા સહિત કોઇ સુવિધા ઉપલબ્ધ નથી. ગ્રામજનોને વિવિધ યોજનાકીય લાભો અને આવક, જન્મમરણ સહિતના દાખલાઓ ગામમાં જ ઓનલાઇન ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આથી જર્જરિત મકાનોવાળી ગ્રામ પંચાયતોને સત્વરે નવા સુવિધાજનક મકાનોમાં તબદીલ કરવા સાથે ઓનલાઇન વિવિધ સુવિધાઓ પણ ગ્રામજનોને ઉપલબ્ધ થયા તે દિશામાં સત્વરે કાર્યવાહી હાથ ધરવા માંગ કરવામાં આવી રહી છે. સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઇ પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં બજેટમાં સમાવેશ કરીને ફંડ ફાળવવા માટે તેમજ 5જી આધારિત ઓનલાઇન સુવિધાઓ ઉપલબ્ધ થાયે તે માટે સરકારમાં રજૂઆત કરીને પંચાયતોનો નિર્માણ કરાશે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.