વીજ કંપનીનો નિર્ણય:આણંદના ઉદ્યોગોને વીજળીના ડીજીટલ બિલ મોકલાશે, પેમેન્ટ ઓનલાઇન જ સ્વીકારાશે

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ઉદ્યોગોના બિલ હવે ઓનલાઇન અથવા ડિજીટલ સ્વરૂપે જ સ્વીકારવાનો નિર્ણય કરાયો

ધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ડિજીટલાઇઝેશનના ભાગરૂપે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ પરિપત્ર મુજબ ઔદ્યોગિક વીજ જોડાણ ધરાવતા ગ્રાહકોને ડીજીટલ માધ્યમમાં બિલ આપવામાં આવશે. જેમાં ઇ-મેઇલ, એસએમએસથી મોકલવામાં આવશે. આ ઉપરાંત વીજબીલના નાણા પણ ફક્ત ઓનલાઇન મોડથી જ સ્વીકારવામાં આવશે. જોકે, અન્ય કેટેગરીના વીજ ગ્રાહકો કે જેમના વીજબીલની રકમ રૂ.10 હજારથી વધુ હોય તેવા ગ્રાહકોના વીજબીલના નાણા પણ આગામી મહિનાથી ફક્ત ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે.

ઓનલાઇન પેમેન્ટ માટે એપ પણ બનાવવામાં આવી
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ગ્રાહકોની સુવિધા માટે એન્ડ્રોઇડ મોબાઇલ એપ (એમજીવીસીએલ એપ) લોન્ચ કરવામાં આવી છે. જેમાં છ મહિનાના વીજ બિલ ડાઉનલોડ કરવાની સુવિધા, છેલ્લા છ માસના પેમેન્ટની માહિતી, ત્વરિત ઓનલાઇન પેમેન્ટ વગેરેની સુવિધાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત વીજ બિલના ઓનલાઇન પેમન્ટ માટે આરટીજીએસ, એનઇએફટી, ઇવોલેટ, કેશ કાર્ડ, બેંકની વેબસાઇટ, એમજીવીસીએલની વેબસાઇટ (www.mgvcl.com), યુપીઆઈ એન્ડ ભારત પે કોડ દ્વારા, બિલ ડેસ્ક, પેટીએમ, ફોનપે, ગુગલ પે, એમેઝોન પે જેવી વિવિધ સુવિધાનો ઉપયોગ કરી શકાશે.

આણંદમાં 352 જેટલા ભારે દબાણના કનેકશન છે
આણંદ ડિવિઝનમાં ભારે દબાણવાળા 352 અને હલવા દબાણવાળા 1992 એકમ નોંધાયાં છે. આ એકમોની વીજ પુરવટા કનેકશનની અરજી સમયે નામ - સરનામા સહિત ઇમેઇલ, મોબાઇલ નંબર સહિતની ઓનલાઇન સંપર્કની વિગતો નોંધવામાં આવી છે. જ્યારે આ ડિવિઝન અંતર્ગત 67,527 કોમર્શિયલ વીજ જોડાણોની પણ વિગતો વીજ કંપની પાસે ઉપલબ્ધ છે. જ્યારે ડિવિઝન અંતર્ગત 5,16,352 રહેણાંક અને 22,181 ખેતી વીજ કનેકશન આવેલા છે. જે પૈકી મોટા ભાગના કનેકશનો આપવા સમયે વીજ કંપનીના ફોર્મમાં ઓનલાઇન સંપર્ક સહિતની િવગતો એકત્ર કરવામાં આવી છે. જેનો ડેટા પણ વીજ કંપની દ્વારા ઓનલાઇન અપડેટ કરાયો હોવાનું વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, બાકીના વીજ ગ્રાહકોનો મોબાઇલ નંબર, ઇમેઇલ મેળવવા માટે નક્કર આયોજન પણ કરવામાં આવશે.

ગ્રાહકોના ઇમેઇલ એકત્ર કરવામાં આવશે
આણંદ જિલ્લામાં વીજ કનેકશન ધરાવતા ઔદ્યોગિક, કોમર્શિયલ, ખેતી ઉપરાંત રહેણાંક વિસ્તારોને પણ તબક્કાવાર ઓનલાઇન બિલ પેમેન્ટ સિસ્ટમમાં ગોઠવવામાં આવશે. જેમાં આણંદ જિલ્લામાં આવેલા 22 સબ ડિવિઝન દ્વારા તેને સંલગ્ન વીજ ગ્રાહકોના મોબાઇલ નંબર, ઇમેઇલ એડ્રેસ એકત્ર કરવામાં આવશે. આ માટે પ્રચાર, પ્રસાર સહિત વીજ બીલ કલેકશન સેન્ટરોએ પણ નોટિસ દ્વારા ગ્રાહકોને જાણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...