સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા જ્યારથી કાયદા વિભાગમાં પીએચડીની શરૂઆત થઈ ત્યારથી યુનિવર્સિટીના નિયમોનું ઉલ્લઘંન થતું હોવાનું અને લોકલ વિદ્યાર્થીઓ ઓછા લઈ અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વધારે લેવામાં આવતા હોવાથી અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે પીએચડી એન્ટ્રન્સ પાસ કરેલાં કેટલાંક વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરને રજૂઆત કરી આવેદન આપ્યું હતું.
વિદ્યાર્થીઓએ કરેલી લેખિત રજૂઆતમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના નિયમો મુજબ ફૂલ ટાઈમ પીએચડીના વિદ્યાર્થીઓની નિયમિત હાજરી પૂરવાની હોય છે. પણ મોટાભાગના વિદ્યાર્થીઓ નોકરી કરે છે. ઘણા તો લો ફેકલ્ટીમાં નોકરી કરતાં ઉચ્ચ હોદ્દો ધરાવતા લેક્ચરરના સગા તેમજ ઓળખીતાઓ હોવાથી આવા વિદ્યાર્થીઓને વધારે મહત્વ આપવામાં આવે છે.
જ્યારે બાકીના વિદ્યાર્થીઓ જોડે અન્યાય થતો હોવાના આક્ષેપ એન્ટ્રન્સ પાસ કરેલા વિદ્યાર્થીઓએ કર્યા હતા. આણંદ લો કૉલેજમાં 2 થી 3 અધ્યાપકો જે ફૂલટાઈમ પાર્ટ-ટાઈમ નોકરી કરતાં હોવા છતાં તેમનું ફૂલ ટાઈમ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ઉપરાંત કોઈ પણ જાતની હાજરી ન હોવા છતાં તેઓની ફૂલ ટાઈમ હાજરી પૂરવામાં આવે છે.
નોંધનીય છે કે પીએચડીમાં ફરજીયાત હાજરીનો નિયમ હોવા છતાં રજિસ્ટર કે ઈલેક્ટ્રોનિક થમ્બ મશીન પણ રાખવામાં આવ્યા નથી. હાલના ડીન સ્વજનોને પીએચડીમાં સાચવવા માટે વિવિધ પ્રકારના દાવપેચ કરી હોંશિયાર તેમજ લાયક વિદ્યાર્થીઓને નુકશાન કરી રહ્યા હોવાના આક્ષેપ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે. આ મામલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ છે.
ઇ. ડીનને ગુજરાતી નથી આવડતું અને પેપરો તપાસે છે
યુનિવર્સિટીના લો ફેકલ્ટીના ઇન્ચાર્જ ડીનને ગુજરાતી ન આવડતું હોવા છતાં એલએલએમ તથા એલએલબીનાના વાર્ષિક પેપરો તપાસે છે. તે પોતે લેકચર પણ લેતા નથી એવો આક્ષેપ સાથે જણાવવામાં આવ્યું છે કે, તેઓ દ્વારા કોઈ પણ વિદ્યાર્થીને વધારે માર્કસ આપવામાં નથી આવતા કે નાપાસ કરાતાં નથી. જેથી યુનિવર્સિટીને પણ ખબર ન પડે કે તેમને ગુજરાતી આવડતું નથી. આમ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરાતા હોવાનું વિદ્યાર્થીઓએ આવેદન આપી જણાવ્યું હતું.
તમામ આક્ષેપો ખોટા છે : ડીન
સમગ્ર મામલે જ્યારે લો ફેકલ્ટીના ડીન રેખાસીંગનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે થોડાં ભાંગ્યા તૂટ્યા ગુજરાતીમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે, તમામ આક્ષેપો ખોટા છે. મારા કોઈ પણ સગાં-વહાલાં અહીં અભ્યાસ કરતા નથી અને મને સારૂં ગુજરાતી આવડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.