• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Despite Charging Rs.30 Thousand Per Month Interest On Rs.3 Lakh Borrowed For Home Business, Anand's Businessman Tried To Commit Suicide After Withdrawing Rs.10 Lakh.

વ્યાજખોરોનો ત્રાસ:ગૃહ ઉધોગ માટે લીધેલા રૂ.ત્રણ લાખનું મહિને રૂ.30 હજાર વ્યાજ વસુલવા છતાં દસ લાખની ઉઘરાણી કરી, આણંદના વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીએ પોતાના મોબાઇલમાં સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
  • સમયસરની સારવારથી બચાવ થયો, ત્રણ વ્યાજખોરો સામે ગુનો નોંધાયો

પેટલાદ તાલુકા ડેમોલ ગામે રહેતા વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી ગળેફાંસો ખાઇ આપઘાત કરવા કોશીષ કરી હતી. જોકે, તેના પુત્ર સહિત પરિવારજનોને સમયસર સારવાર માટે લઇ જતા તેમનો બચાવ થયો હતો. આ અંગે વેપારીએ ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાતથી આઠ લાખ ખંખેરી લીધાં
ડેમોલના ચાચર ચોકમાં રહેતા નિર્મલકુમાર જયેશભાઈ પટેલ નર્મલ ગૃહ ઉદ્યોગ ચલાવી જીવન ગુજારે છે. તેઓ ગૃહ ઉદ્યોગમાં ચોખાની પાપડી, સાબુદાણાની ચકરી વિગેરે ફુડ પ્રોડક્ટ બનાવી તેનું વેચાણ વિદેશ તથા સ્થાનિક બજારમાં વેચે છે. જોકે, ચારેક મહિના પહેલા તેમને નાણાની જરૂર પડતાં ગામના ભોઇવાસમાં રહેતા તુષાર રાવજી ભોઇ પાસે રૂ.ત્રણ લાખ એક સપ્તાહની મુદત માટે માંગ્યાં હતાં. આથી, તેઓએ સંજય નાગજી બારોટ (રહે. પવનચક્કી, નડિયાદ) સાથે મળીને રૂ. ત્રણ લાખ નિર્મલકુમારે લીધાં હતાં. આ સમયે કોઇ વ્યાજદર નક્કી થયો નહતો. આમ છતાં પંદર દિવસ બાદ તુષાર અને સંજય બારોટ બન્ને નિર્મલની ફેક્ટરી પર પહોંચ્યાં હતાં અને રૂ.ત્રણ લાખનું પંદર દિવસના વ્યાજ પેટે રૂ.15 હજાર લઇ ગયાં હતાં. આમ અવાર નવાર તેઓએ વ્યાજ પેટે રકમની માગણી કરી આશરે રૂ.સાતથી આઠ લાખ ખંખેરી લીધાં હતાં. કેટલીક રકમ ઓનલાઇન પણ તુષાર ભોઇ અને સંજય નાગજી બારોટના એકાઉન્ટમાં નાંખ્યાં હતાં. કુલ મળી રૂ.1,28,700 બન્નેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાં હતાં.

કોરા ચેક પર સહી કરાવી હતી
દરમિયાનમાં 6ઠ્ઠી જુલાઇ,22ના પહેલા તુષાર રાવજી ભોઇ તથા સંજય નાગજી બારોટના રૂપિયા બાકી નિકળતા હોવાથી બન્ને રૂબરૂ, ફોન પર રૂપિયા આપી દેવા અથવા વ્યાજ આપવા ધાક ધમકીઓ આપતાં હતાં. આ ઉપરાંત રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતાં હતાં. આ વ્યાજખોરોએ નિર્મલ પાસેથી ગૃહ ઉદ્યોગનો એસબીઆઈ બેંકનો ચેક તેમજ બીજો ચેક તેમના પત્ની પ્રિયાબહેન નિર્મલકુમાર પટેલના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના કોરા ચેક પર સહી કરાવી લઇ લીધાં હતાં. તેવી જ રીતે નિર્મલકુમારના પિતાના બેંકમાં રૂ.2.28 લાખની લોન સંજય, તેના મિત્ર ચિરાગ મારફતે કરાવી હતી. જે લોનના નાણા પણ તેઓએ લઇ લીધેલા હતાં. જે રકમ આ બન્ને વ્યાજપેટે ગણી નિર્મલ પાસેથી લઇ લીધાં હતાં.

સમયસર સારવાર મળતા બચાવ થયો
આ દરમિયાનમાં 18મી જુલાઇ, 22ના રોજ તુષારે ફોન કરી ડેમોલ ગામની નહેર પર બોલાવ્યો હતો. જ્યાં તુષાર અને સંજયે ગાડીમાં બેસાડી અપશબ્દ બોલી નહેરના પાણીમાં ફેંકી દેવાની ધમકી આપી હતી. બાદમાં નિર્મલના ફોન પરથી રાવજી ભોઇને ફોન કરી તેર લાખ નિકળતા આપી દેવા કહ્યું હતું. જોકે, નિર્મલકુમારે નાણા ન હોવાનું કહેતાં તેને રૂ.1.40 લાખનો મોબાઇલ અપાવવા ધમકાવી નડિયાદની મોબાઇલની દુકાનમાં પત્ની સાથે લઇ ગયાં હતાં. જ્યાં લોન પડાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ લોન પડી નહતી. જેથી ખાલી હાથે પરત આવ્યાં હતાં. તુષાર અને સંજયએ રૂ.ત્રણ લાખની મુડી કરતાં વધુ વ્યાજ ચુકવ્યું હોવા છતાં સતત ત્રાસ આપતાં હતાં. આથી, કંટાળી મોબાઇલમાં સ્યુસાઇટ નોટ ટાઇપ કરી પત્ની, માતા - પિતા તથા મિત્ર અક્ષત પટેલને મોકલી આપી હતી. બાદમાં ફેક્ટરીમાં લોખંડની એંગલ પર કાથીથી ગળેફાંસો ખાઇ લીધો હતો. જોકે, પરિવારજનો ફેક્ટરી પર દોડી આવ્યાં હતાં અને નિર્મલકુમારને ઉતારી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં સમયસરની સારવારથી તેમનો બચાવ થયો હતો. આ અંગે મહેળાવ પોલીસે સંજય નાગજી બારોટ (રહે.પવનચક્કી રોડ, નડિયાદ), તુષાર રાવજી ભોઇ (રહે. ભોઇવાસ, ડેમોલ) અને ચિરાગ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડેમોલ વાળી જમીન નામે કરવા ધમકાવ્યાં હતાં
નિર્મલકુમાર સમયસર નાણા ન આપી શકતાં તુષાર ભોઇ અને સંજય બારોટ તેને વારંવાર ધમકી આપતાં હતાં. તેમાંય ડેમોલ ગામની જમીનનો બાનાખત પણ કરાવી લીધો હતો. તેમાં નિર્મલકુમારના પિતાની સહી પણ કરાવી હતી.

નડિયાદની વકીલ ચેમ્બરમાં દસ લાખની માગણી કરતી નોટરી કરાવી
વ્યાજના ચક્કરમાં ફસાયેલા નિર્મલકુમારને બન્ને વ્યાજખોરો નડિયાદની વકીલ ચેમ્બરમાં લઇ ગયાં હતાં. જ્યાં તેમની પાસે રૂ. દસ - દસ લાખ માંગીએ છીએ. તેવી બે નોટરી જબરજસ્તી કરાવવામાં આવી હતી. આ સમયે સંજયનો મિત્ર પણ હતો અને નિર્મલકુમાર પાસેથી રૂ. દોઢ લાખની નોટરી જબરજસ્તી કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...