રાત્રિ સભા:ગામોમાં રાત્રી સભાઓની જમાવટ, પ્રચારની સાથે પેટપૂજા પણ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી લઇને હાલમાં ઉમેદવારો વચ્ચે મતદારોને રીઝવવાની રીતસર હોડ જામી છે.જેના પગલે ગામડાઓમાં રાત્રી સભાઓ ઠેરઠેર યોજાઇ રહી છે. રાત પડતા દરેક ફળિયામાં વોર્ડના સભ્ય દ્વારા તથા ગામની ભાગોળે સરપંચના ઉમેદવારો દ્વારા સભા બોલાવીને મતદારોને ગામના વિકાસ માટે વચનો આપવામાં આવી રહ્યાં છે.

રાત્રી સભામાં કેટલીક જગ્યાએ ભજીયા અને ચવાણાની સાથેસાથે દાબેલી, ચાઇનીઝ અને ફાસ્ટફૂડની મિજબાની લોકો માણતાં હોય છે. એક જગ્યાએથી નાસ્તો કરીને બીજા ઉમેદવારની બેઠકમાં જઇને ત્યાં પણ નાસ્તો પાણી કરીને લોકો છુટા પડે છે. જેથી હાલ તો ગ્રામ વિસ્તારના મતદારોને મજા પડી ગઇ છે. રાત્રિ સભામાં આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી.

ગંભીરામાં સરપંચની બેઠક પર 2 ઉમેદવારો વચ્ચે જંગ
આંકલાવ તાલુકાના ગંભીરા ગ્રામ પંચાયતની ચૂંટણીનો રંગ જામ્યો છે. 7000ની વસતી ધરાવતા ગંભીરા ગામે સરપંચ પદના બે ઉમદેવારો વચ્ચે ભારે હરીફાઈ ચાલી રહી છે ગામમાં 75% ક્ષત્રિય મતદારોનો સમાવેશ થાય છે બાકી 25% મતદારોમાં અન્ય જ્ઞાતિનો સમાવેશ થાય છે. મતદારો સાથે અલગ અલગ સીમ વિસ્તારોમાં રાત્રીસભાઓ યોજાઈ રહી છે.મતદારોને રીઝવવા ઉમેદવારો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરેક ઉમેદવાર વિજયી થવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

ઉંદેલમાં મતદારોને રીઝવવા રાત્રી સભા યોજાઇ
ખંભાત તાલુકાના સૌથી વધુ વસતી ધરાવતા ઉંદેલ ગામે સરપંચ પદ માટે પાંચ ઉમદેવારો વચ્ચે ભારે હરીફાઈ ચાલી રહી છે. 18 હજારથી વધુ વસતી ધરાવતા ઉંદેલ ગામમાં 10,300 જેટલા મતદારોનો સમાવેશ થાય છે. પાંચ ઉમેદવારોએ સરપંચ પદે ઉમેદવારી નોંધાવતા ભારે હરીફાઈ જામી છે.જે પૈકી ત્રણ પટેલ અને બે ક્ષત્રિયનો સમાવેશ થાય છે. જ્યારે સભ્ય પદ માટે 39 ઉમેદાવારો મેદાનમાં છે.મતદારો વચ્ચે નવાપુરા, હજામણી, ખોખરાડીયા, સોનારીયા સહિતના સીમ વિસ્તારોમાં રાત્રીસભાઓ યોજાઈ રહી છે.

વહેરામાં દાબેલી,ચાઇનીઝ નાસ્તાનું વિતરણ
બોરસદ શહેરને અડોઅડ આવેલા વહેરા ગામની ચુંટણીમાં સરપંચ પદ અને વોર્ડ સભ્યો દ્વારા જીત અંકે કરવા પોત પોતાના સમર્થકો માટે ચા નાસ્તાની ખાસ જ્યાફત આપવામાં આવતી હોવાની રિતભાત શરૂ થઈ ગઈ છે. વેરા ગામની ચુંટણીમાં સરપંચ પદ માટે કુલ ચાર ઉમેદવારો અને કુલ 12 વોર્ડમાં સભ્યપદ માટે 19 ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે. વેરા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 2666પુરુષ અને 2567 સ્ત્રી મતદારો નોંધાયા છે. વર્તમાન ચૂંટણીમાં દાબેલી, ચાઈનીઝ નાસ્તાની વ્યવસ્થા માટે માંગ વધી ગઈ છે.

ક્ષત્રિયોની બહુમતી ધરાવતા પંડોળીમાં રસાકસી
પેટલાદ તાલુકાના ક્ષત્રિયોની બહુમતી ધરાવતા પંડોળીમાં સરપંચપદની બેઠક સામાન્ય મહિલા અનામત જાહેર થતાં ઉમેદવાર તરીકે 6 મહિલાઓ મેદાનમાં છે. જે પૈકીના બે મહિલા ઉમેદવાર ભાજપની વિચારસરણી ધરાવતા અને ચાર ઉમેદવાર કોંગ્રેસની વિચારસરણી ધરાવતા હોવાનું જાણવા મળે છે. જેથી રાજકીય રીતે પણ ચૂંટણી રોચક બની રહેશે.પંડોળી ગામની કુલ વસતી 17200 છે. જે પૈકી 11500 મતદારો છે. તેમાં ક્ષત્રિય મતો 7500 છે.ત્યારે ભારે ખેંચાતણ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...