આંદોલનની ચીમકી:આણંદના સુંદણ ગામે બની રહેલા સ્મશાનનું બાંધકામ અટકાવવા માટે માંગ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આણંદ તાલુકા સુંદણ ગામે ઇન્દાનગરી નજીક પુન: સ્મશાનની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોનો ભારે રોષ - Divya Bhaskar
આણંદ તાલુકા સુંદણ ગામે ઇન્દાનગરી નજીક પુન: સ્મશાનની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોનો ભારે રોષ
  • રહેણાંક વિસ્તારથી દૂર સ્મશાન બનાવવાના મુદ્દે સ્થાનિકોની ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

આણંદના સુંદણ ગામે ઇન્દિરાનગરી નજીક નવું સ્મશાન બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે તે સમયે સ્મશાન માટે જગ્યા ફાળવી ત્યારે પણ સ્થાનિક રહીશો દ્વારા રહેણાંક વિસ્તારથી દૂર સ્મશાનની જગ્યા ફાળવવા માટે 2016માં જિલ્લા કલેકટર, મામલતદાર સહિત અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરતાં આખરે સ્મશાનનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. તેમ છતાં ગામના કેટલાંક લોકોએ ઇન્દિરાનગરી પાસેની જમીનમાં સ્મશાન બાંધકામ શરૂ કર્યું છે. જે બાબતે સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક સ્મશાનનું બાંધકામ અટકાવીને અન્યત્ર ખસેડવાની માંગ સાથે મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.

ઇન્દિરાનગરીમાં રહેતા ચંદુભાઇ વણકર, પ્રવિણભાઇ વણકર, મુકેશભાઇ રોહિત સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, સુંદણમાં ઇન્દિરાનગરી રહેણાંક વિસ્તાર નજીક અગાઉ 2016માં સ્મશાન બનાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે સ્થાનિકોએ જિલ્લા કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને બાંધકામ અટકાવ્યું હતું. ગામમાં સ્મશાન બને તેની સામે વિરોધ નથી. પરંતુ રહેણાંક વિસ્તાર નજીક સ્મશાન બનાવવાથી બાળકો અને મહિલાઓ ડર અનુભવશે. તેમજ સ્મશાન ગામથી દૂર હોવું જોઇએ જે ગામથી દૂર પડતર જમીનમાં સ્મશાન ભૂમિ બનાવવા રજૂઆત કરી હતી. ઇન્દિરાનગરી નજીક સ્મશાન બનશે તો અનુસુચિત જાતિના વ્યકિતઓને ઘર મકાન છોડીને બીજે રહેવા જવાની ફરજ પડશે. જે બાબતે પંચાયત દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી સ્થાનિકોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી હતી. સ્મશાન ભૂમિ બદલવામાં નહીં આવે તો આગામી તા 25મીઓકટોબરના રોજ સ્મશાન ભૂમિ પાસે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...