પેટલાદ તાલુકાના બાંધણી ચોકડીથી વાયા સુણાવ થઈ પીપળાવ સુધી સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. આ મામલે તેઓ દ્વારા સાંસદને પણ લેખિતમાં રજૂઆત કરી છે. આ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સુણાવ એક શૈક્ષણિક હબ છે. જ્યાં આણંદ જિલ્લામાંથી વિદ્યાર્થીઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ મેળવવા આવે છે.
જ્યારે સુણાવ મેડિકલ રીલીફ સોસાયટી સંચાલિત સુણાવ હોસ્પિટલમાં આપવામાં આવતી રાહતદરની વિવિધ તબીબી સારવાર લેવા માટે પણ સુણાવ ગામ સહિત આજુબાજુના ગામના દર્દીઓ આવતા હોય છે. આ ઉપરાંત, પીપળાવ ખાતે માતાજીના દર્શાનાર્થે શ્રદ્ધાળુઓ જતા હોય છે. નોકરીયાત વર્ગ તથા વિદ્યાર્થી વર્ગ પણ ખાનગી વાહનોમાં અવર-જવર કરે છે.
લોકડાઉન અગાઉ બાંધણી ચોકડીથી વાયા સુણાવ થઈ પીપળાવ સુધી સીટી બસ કાર્યરત હતી. પરંતુ છેલ્લાં બે વર્ષથી રૂટ બંધ હોઈ હાલમાં અનેક લોકોને ખાનગી વાહનમાં અવર-જવર કરવાની ફરજ પડી રહી છે. આ રૂટ વેળાસર શરૂ કરવામાં આવે તેવી માંગ સુણાવ ગામના પૂર્વ ઉપસરપંચ દેવલબેન પટેલ, સુણાવ કેળવણી મંડળના મંત્રી સુમંતભાઈ પટેલ, સુણાવ મેડિકલ રીલીફ સોસાયટીના ખજાનચી હિતેશભાઈ આર. પટેલ, પેટલાદ તાલુકા પંચાયતના સભ્ય રાજ પટેલ અને પીપળાવ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.