ખંભાતને પીવાલાયક મીઠું પાણી મળી રહે તે માટેના પ્રોજેક્ટ મંજૂર કરવાની માંગ સાથે ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ અને ખંભાત નગર પાલિકાના પ્રમુખ કે. એચ. ગાંધીએ પાણી-પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને પત્ર લખી રજૂઆત કરી છે.
આ પત્રમાં તેઓએ રજૂઆત કરતાં જણાવ્યું છે કે, ખંભાત શહેરના ભૂગર્ભમાં પાણી છે. પરંતુ અંદાજે ત્રણ હજારથી સાડા ચાર હજાર ટીડીએસ સુધીનું છે, જે પીવાલાયક નથી. અગાઉ જીડબલ્યુએસએસબી મારફતે સરફેસ વોટર કનેવાલ તળાવ આધારિત પ્રોજેકટ વર્ષ 2007માં બનાવ્યો હતો. હાલમાં પ્રોજેક્ટ કાર્યરત છે.
પરંતુ જે તે સમયે કનેવાલ તળાવમાં ઈન્ટેકવેલની કામગીરી થઈ છે તે ઉનાળાની સીઝનમાં તળાવમાં પાણી ઓછું થઈ જતાં પાણી મેળવવામાં તકલીફ ઊભી થતી હોય છે. તેના કારણે ઉનાળામાં પાણી પુરવઠો સપ્લાય કરી શકાતો નથી. પાણી પુરવઠો નિયમિત મળી રહે તે માટે નવો ઈન્ટેકવેલ બનાવવામાં આવે તથા તેની પાઈપ લાઈન નાંખવામાં આવે તો ખંભાતની જનતાને નિયમિત પીવાલાયક પાણી આપી શકાય. આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત તેઓ દ્વારા કરાઈ હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે ખંભાત નગર પાલિકાના વોર્ડ નંબર 3ના રહીશોએ તેમને છેલ્લાં કેટલાંય સમયથી પાણી ન મળતું હોય આ મામલે ખંભાત નગરપાલિકામાં રજૂઆત કરી હતી. તેમને પાલિકા દ્વારા સત્વરે પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે જો પ્રોજેક્ટને મંજૂરી મળે તો આગામી દિવસમાં ખંભાતનો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.
કનેવાલ તળાવમાંથી પાણીની યોજના ફલોપ
ખંભાત શહેરમાં 18 કિમી દૂર કનેવાલ તળાવમાંથી પાણી લાવવા માટે ઠેર ઠેર પંપ મુકાયા હતા.તેનું બીલ પાલિક ભરી શકતી નથી.તેના કારણે વારંવાર બંધ થઇ જાય છે.તેમજ ખંભાતમાં બનાવેલ ફિલ્ટરેશન પ્લાન પણ બંધ હાલતમાં છે.તેના કારણે કનેવાલમાંથી પાણી આપવાની યોજન ફલોપ ગઇ છે.
સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચતું હોય તો ખંભાતને અન્યાય કેમ?
છેલ્લાં 30 વર્ષથી રાજ્યમાં ભાજપનું સાશન છે, પાલિકામાં ભાજપનું સાશન છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. જો સૌરાષ્ટ્ર સુધી મીઠું પાણી પહોંચતું હોય તો પછી ખંભાતની પ્રજાને અન્યાય કેમ એ સવાલ છે. કઈ બાબત તમને પ્રજાને મીઠું પાણી આપતા રોકી રહી છે એ પ્રશ્ન છે. > ઈફ્તેખાર યમ્ની, દંડક, નગરપાલિકા, ખંભાત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.