આત્મહત્યાનો પ્રયાસ:દેવું વધતા બેન્ક પટ્ટાવાળાનો ઉમેટા બ્રિજ પરથી આપઘાતનો પ્રયાસ, માછીમારી કરી રહેલા લોકોએ તુરંત જ તેને બચાવી લીધો

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંકલાવ તાલુકાના ઉમેટા બ્રિજ પરથી શુક્રવારે સાંજે મોગરી સ્થિત એસબીઆઈ બેન્કમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા 38 વર્ષીય યુવકે નદીમાં ઝંપલાવી મોતને વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એ સમયે નદીમાં માછીમારી કરી રહેલા લોકોને તેની જાણ થતાં જ તેને ડૂબતો બચાવ્યો હતો. જોકે, આ મામલે આંકલાવ પોલીસ મથકે મોડી સાંજ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી. આ અંગેની પોલીસના સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નદીમાં ઝંપલાવનારો યુવક મૂળ આણંદ શહેરના સાંઈબાબા મંદિર પાસે રહેતો વિક્રમભાઈ કનુભાઈ રબારી હોવાનું ખૂલ્યું હતું. જેઓ મોગરી સ્થિત એસબીઆઈ બેંકમા પટાવાળા તરીકે ફરજ બજાવે છે. શુક્રવારે સાંજે ઉમેટા બ્રિજ પરથી તેમણે છલાંગ લગાવી દીધી હતી. સદનસીબે ત્યાં હાજર માછીમારોએ નદીમાં ઝંપલાવી તેને બચાવી લીધો હતો. આ અંગેની જાણ આંકલાવ પોલીસને કરાતા પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. વધુમાં આપઘાતનો પ્રયાસ કરનારા યુવકના પરિવારને જાણ કરતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દેવું વધી જતાં યુવકે બ્રિજ પરથી ઝંપલાવ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, કેટલું દેવું વધ્યું હતું તે અંગે કંઈ કહ્યું નહોતું.

બ્રિજની બંને તરફ જાળી લગાવવા માંગ 
ઉમેટાં બ્રિજ પરથી વાંરવાર લોકો આત્મહત્યા કરે છે. ત્યારે સ્થાનિકો દ્વારા બ્રિજની બંને બાજુ લોખંડની જાળી મારવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં હજુ સુધી જાળી મારવામાં આવતી નથી. તેને કારણે લોકોમાં પણ રોષની લાગણી ફાટી નીકળી છે.

અન્ય સમાચારો પણ છે...