આણંદના બોરિયાવી ગામે રિવર્સમાં આવી રહેલી ટ્રકની પાછળ માર્ગદર્શન આપતા ક્લીનરને ટક્કર વાગી હતી અને ટ્રકના તોતિંગ વ્હીલ નીચે આવી જતાં મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે રહેતા ગોપાલ રૂપાજી મીણા ટ્રક ચાલકનો વ્યવસાય કરે છે અને તેઓ 3 માર્ચના રોજ મધ્યપ્રદેશના નિમચ શહેરથી પશુ આહાર ભરી કણજરી આવ્યાં હતાં. ગાડી ખાલી કર્યા બાદ ક્લીનર અંબાલાલજી સરદારજી મીણા (ઉ.વ.56, રહે. અચલપુર) સાથે જમવાનું નક્કી કર્યું હતું. આથી, સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે બોરિયાવી ઓવરબ્રિજ નજીક ગાડી વાળી રહ્યાં હતાં.
આ સમયે ક્લિનર અંબાલાલજી ટ્રક પાછળ રહી ડ્રાઇવરને માર્ગદર્શન આપી રહ્યાં હતાં. જોકે, અચાનક કોઇ કારણસર અંબાલાલ ટ્રકના પાછળ આવી ગયાં હતાં અને ટ્રકના તોતિંગ વ્હેલી ફરી વળતાં ગંભીર રીતે ઘવાયાં હતાં. આ સમયે ત્યાંથી પસાર થતી 108ની એમ્બ્યુલન્સે તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલમાં ખસેડ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન આજે મૃત્યું નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક ગોપાલ રૂપાજી મીણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.