ગોલમાલ:રૂણજ ગ્રામ પંચાયતમાં સત્તાધીશો દ્વારા પંચાયત હિસાબોમાં આર્થિક ગોટાળા થતાં ડીડીઓએ તપાસ હાથધરી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જીલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટીસ પાઠવીને બીલનો ખુલાસો કરવા માટે જણાવ્યું
  • રજીસ્ટરમાં રૂ.23 હજાર ખર્ચ દર્શાવીને નાની મોટી ઉચાપત કરી હોવાનું ધ્યાને આવ્યું

સોજીત્રા તાલુકાના રુણજ ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરરીતિ મોટા પાયે ચાલતી હોવાની રજુઆત જીલ્લા કક્ષાએ કરવામાં આવી હતી. જીલ્લા કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરવાનું જણાવતા ગ્રામ પંચાયતના સરપંચ અને મળતીયાઓ દ્વારા ખોટા ખોટા બીલો રજુ કરી ખોટા બીલો બનાવી તેની પંચાયતમાં નોંધ ન કરીને બેંકમાંથી નાણાં ઉપાડી અંદાજે રૂ.8455ના બીલની ઉચાપત થઈ હોવાનું જણાઈ આવે છે. આ ઉપરાંત નવી મોટર ખરીદીમાં માત્ર રૂ.19500 નો ખર્ચ કરેલો છે. તેની સામે રજીસ્ટરમાં 23 હજાર ખર્ચ દર્શાવીને નાની મોટી ઉચાપત કરી હોવાનું ધ્યાને આવતા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટીસ પાઠવીને તેઓને ખુલાસો કરવા માટે જણાવ્યું છે.

બીલોમાં પણ તપાસ કરતા ઘાલમેલ જણાઈ

સોજીત્રા તાલુકાના રુણ ગામે છેલ્લા કેટલાક સમયથી પંચાયતમાં ભારે ગેરરીતિ ચાલતી હતી. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરાવતા જાણવા મળેલ છે. ગામમાં આવેલા તળાવ સીંગોડી માટે હરાજીમાં આપવામાં આવેલા છે. પરંતુ પંચાયતના રેકોર્ડ પર દર્શાવવામાં આવેલા નથી. ટીમ દ્વારા અગાઉના બીલોની તપાસ કરતા બીલોમાં પણ તપાસ કરતા ગાલમેલ જણાઈ હતી. તા. 12/6/2017 ના રોજ વાઉચર નં.25 માં રૂ. 7110નો ખર્ચ થાય છે. તેની સામે ચેક 7810નો આપીને 700 થી વધુ રકમ ઉપાડી લીધી છે.

બીલની ચુકવણી કરી ઉચાપત કરીને પંચાયતને નુકસાન પહોંચાડ્યું

પંચાયતમાં ઈલેકટ્રીક માલસામાન ખરીદવામાં 2017 માં રૂ.3745નો માલસામાન રોહિત સ્ટોર પેટલાદથી ખરીદ્યો હતો. જે તે સમયે રૂ.9500ની સામે રૂ.3745 નું ચુકવણું કરેલુ છે. જેથી તેમના રૂપિયા 5755 ચુકવવાના બાકી છે. તેની સામે વાઉચર પર ઈલેક્ટ્રીક માલસામાનના બાકી બીલના 5955 ચુકવી આપ્યા હોવાનું દર્શાવી 200 રૂપિયા ખોટી રીતે ઉપાડી લીધા છે. આમ નાના મોટા માલસામાનની ખરીદીમાં પંચાયતના સરપંચ દ્વારા ખોટા વાઉચર બનાવીને ખોટી રીતે બીલની ચુકવણી કરી ઉચાપત કરીને પંચાયતને નુકસાન પહોંચાડ્યું હોવાનું બહાર આવ્યું છે.

રૂ.8455 સહિત નાની મોટી ઉચાપત કરી હોવાનું ધ્યાને આવ્યું

મહત્વનું છે કે ઓરડીના બાંધકામમાં ખર્ચ કરતા વધુ રકમ દર્શાવીને ઉચાપત કરેલી છે. આમ પંચાયતના ઉપયોગના નામે બેંકમાંથી ખર્ચ પેટે વધુ રકમ ઉપાડી રૂ.8455 સહિત નાની મોટી ઉચાપત કરી હોવાનું ધ્યાને આવ્યું છે. જે બાબતે તાલુકા વિકાસ અધિકારીએ જીલ્લા વિકાસ અધિકારીને રીપોર્ટ મોકલી આપતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચે પોતાની સત્તાનો દુરપયોગ કર્યો છે. અને ફરજ બજાવવામાં બેદરકારી દાખવી છે. તેમજ ગ્રામ પંચાયતને આર્થિક નુકસાન પહોંચાડીને જે બાબતે પંચાયતના સરપંચ ચંપાબેન પરમારને નોટીસ પાઠવીને લેખિત ખુલાસો બીલ 7 માં મોકલી આપવા તથા વધુ સુનાવણી 14 જુન 2021 ના રોજ જીલ્લા પંચાયત કચેરી ખાતે રાખવામાં આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...