અકસ્માત:બાંધણી પાસે અજાણ્યા વાહનની અડફેટે સાઈકલ સવારનું મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેડવાપુરાનો યુવક ખેતરે જવા નીકળ્યો એ સમયની ઘટના

પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી પાસે રવિવારે સાંજે સાઈકલ લઈને ખેતરમાં જઈ રહેલા યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું હતું. પેટલાદ તાલુકાના બાંધણી ગામ સ્થિત જેડવાપુરામાં 40 વર્ષીય ધીરૂભાઈ બચુભાઈ સોલંકી રહે છે. તેઓ ખેતીકામ કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે.

રવિવારે સાંજે તેઓ પાડોશીની સાઈકલ લઈને બાંધણી ચોકડી થઈને પોતાના ખેતરમાં જવા નીકળ્યા હતા. દરમિયાન, તેઓ બાંધણી ચોકડીથી થોડે આગળ પીડબલ્યુડી પાસે પહોંચ્યા ત્યારે એ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવેલા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. જેને પગલે તેઓ રોડ પર પટકાયા હતા અને તેમને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

આ મામલે તેમને હોસ્પિટલમાં ખસેડાય તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકના ભાઈ રાજેશભાઈ સોલંકીએ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળના પ્રયાસ હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...