બોરસદમાં રહેતા યુવકે અલગ અલગ ગરમ મસાલાના પેકેટ ઓનલાઇન ખરીદવા વેપારીનો સંપર્ક કર્યો હતો. પરંતુ તે ગઠિયો નિકળ્યો હતો. તેણે મસાલાના પેકેટના પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલી પ્રોસેસ કરાવી યુવકના ખાતામાંથી રૂ.35 હજાર જેવી રકમ ઉપાડી લીધી હતી. આ અંગે યુવકે બોરસદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
બોરસદના શિવમનગર સોસાયટીમાં રહેત પ્રતિકકુમાર હરેશભાઈ પટેલ નગરની એક દુકાનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. આ દુકાનમાં છેલ્લા છએક માસથી અલગ અલગ ગરમ મસાલાના પેકેટ બનાવી વેચાણ કરવામાં આવે છે. દરમિયાનમાં પ્રતિકે 11મી માર્ચ,23ના રોજ સોશ્યલ મિડિયા પર અલગ અલગ ગરમ મસાલા વેચાણ અર્થે મુક્યાં હતાં. જેના આધારે 13મી માર્ચ,23ના રોજ મોબાઇલ પર ઈન્કવાયરી આવી હતી. જેમાં બધા મસાલાના ફોટોગ્રાફ મંગાવ્યાં હતાં. બાદમાં સામાવાળા શખસે ફોન કરી પોતે ફોજમાં હોવાનું અને ફોજની કેન્ટીનમાં નોકરી કરતો હોવાથી દાળ તડકા, વઘારેલી ખીચડી, હળદર સહિતના ભાવ મંગાવ્યાં હતાં. જેથી પ્રતિકે ભાવ પણ મોકલી આપ્યાં હતાં. જેના આધાર ડીલ નક્કી થતાં બોગસ ફોજીએ કાર્ડથી પેમેન્ટ કરવાનું જણાવી ક્યુઆર કોર્ડ મોકલ્યો હતો. અને કેટલીક પ્રોસેસ કરવાનું જણાવ્યું હતું. જેથી તમારા એકાઉન્ટમાં રૂપિયા જમા થશે. આમ, સામેવાળાના કહેવા મુજબ પ્રોસેસ કરતાં પ્રતિક પટેલના ખાતામાંથી રૂ.35 હજાર ઉપડી ગયાં હતાં. આથી, પ્રતિકે તેમને નાણા પરત કરવા જણાવ્યું હતું. પરંતુ સામેવાળા શખસે ફોન કરી નાંખી સ્વીચ ઓફ કરી દીધો હતો. આ અંગે બોરસદ પોલીસે અજાણ્યા ગઠિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.