ખંભાત તાલુકાના કલમસર ગામે કિર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોવિડ ગાઈડલાઈનને નેવે મુકાઈને 400થી વધુ જનમેદની એકત્ર થઈ હતી. આ ઉપરાંત ધારાસભ્ય મયુર રાવલ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર સહિતના મોટા નેતાઓ અને આગેવાનો પણ હાજર રહ્યાં હતાં. હાલ કોરોના કાળમાં અનેક પ્રસંગો માટે ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. આ સમયે કોરોના સંક્રમણ ની વિસ્ફોટક પરિસ્થિતિ હોવા છતાં આ ડાયરામાં કોઇ નિતિ - નિયમોનું પાલન કરવામાં આવ્યું નહતું. આ મામલે ભારે ઉહાપોહ બાદ ખંભાત ગ્રામ્ય પોલીસે 12 જેટલા આયોજકો સામે ગુનો નોંધ્યો હતો.
ખંભાત ગ્રામ્ય પોલીસ સબ ઇન્સ્પેક્ટર એફ.એ. મલેકને ફરજ દરમિયાન ફરિયાદ મળી હતી કે, કલમસર ગામે 10મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે ધાર્મિક સંતવાણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેથી તેઓ ટીમ સાથે કલમસર ગામે પહોંચ્યાં હતાં. જ્યાં તપાસ કરતાં ગામના બસ સ્ટેન્ડ નજીકમાં સરકારના ધારા ધોરણ મુજબની પૂર્વ મંજુરી વગર અને હાલમાં વૈશ્વિક મહામારી કોવિડના જાહેરનામાનો અમલ જોવા મળ્યો નહતો. કલમસર ગામમાં જાહેરમાં ધાર્મિક સંતવાણીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માણસો એકત્ર થયાં હતાં. સોશ્યલ ડિસ્ટન્સ વગર નજીક નજીકમાં બેઠેલા અને માસ્ક પણ પહેર્યું નહતું.
આ કાર્યક્રમના આયોજન સબબ તપાસ કરતાં કલમસર ગામના શૈલેશ માનસિંહ સિંધા, દિલીપ મહીપતસિંહ સિંધા, દિલીપ ફુલસિંહ સિંધા, હરપાલ મનુભાઈ ઝાલા, વિનુ નટુભાઈ સિંધા, હિતેન્દ્ર અજીતસિંહ સિંધા, ભાઇલાલ મનુભાઈ સિંધા, અજીત જગદીશસિંહ સિંધા, કેશરી નટુભાઈ સિંધા, દિલીપ જીલુભાઇ સિંધા, અજીત ગુલાબસિંહ સિંધા, અનિરૂદ્ધ દિલીપસિંહ સિંધા (તમામ રહે. કલમસર) દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 12 વ્યક્તિની પુછપરછ કરતાં તેમની પાસે કોઇ જાતની પૂર્વ મંજુરી નહતી. આથી, આ 12 આયોજક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વીડિયો શુટીંગ ઉતારનારાને ધમકાવવામાં આવતાં હતાં
કલમસર ગામે યોજાયેલા ડાયરાના કાર્યક્રમ દરમિયાન કેટલીક વ્યક્તિએ મોબાઇલમાં વીડિયો શુટીંગ ઉતારવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્યાં હાજર વ્યક્તિઓએ આ તમામને શુટીંગ ઉતારતા રોક્યાં હતાં અને ધમકાવ્યાં પણ હોવાના અહેવાલો મળ્યા હતાં. આમ છતાં ભારે ઉહાપોહ થતાં પોલીસ હરકતમાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.