ઉમરેઠ તાલુકાના ઓડ ગામે લાખુ તલાવડી પાસે રહેતા યુવકે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને બે વર્ષ પહેલા ભગાડી ગયો હતો. બાદમાં તેની જાતીય સતામણી કરી અને ઓરડીમાં ગોંધી રાખી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં કોર્ટે નરાધમ યુવકને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
ઓડના લાખુ તલાવડીમાં રહેતો સંજય અરવિંદે 19મી જાન્યુઆરી,21ના રોજ એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી, ફોસલાવી, પટાવી, દુષ્કર્મ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના પરિવારજનોએ ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સંજય અરવિંદ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. જેમાં 19મી માર્ચના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જરૂરી પુછતાછ કરી તેની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી.
આણંદના સ્પેશ્યલ જજ અને એડિશનલ જજની અદાલતમાં આ કેસ ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ એ.કે.પંડ્યાની ધારદાર દલીલ અને 15 દસ્તાવેજી પુરાવા, 8 સાક્ષીને સાંભળી ન્યાયધિશ જી.એચ.દેસાઈની કોર્ટે સંજય અરવિંદને આરોપી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને રૂ. પાંચ લાખનું વળતર ચુકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો.
કઇ કલમ હેઠળ કેટલી સજા અને દંડ ફટકાર્યો ?
●આઈપીસી 363 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂ.પાંચ હજારનો દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા.
●આઈપીસી 366 (એ) મુજબ સાત વર્ષની સખત કેદની સજા તથા રૂ. સાત હજારનો દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ ચાર માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.
●પોક્સો કલમ -4 મુજબ ગુનાના કામે આજીવન કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ આઠ માસની સાદી કેદની સજા.
●પોક્સો કલમ-6 મુજબ આજીવન કેદની સજા તથા રૂ. દસ હજારનો દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ આઠ માસની સાદી કેદની સજા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.