વિદ્યાનગરની મહિલાએ પેટમાં ગાંઠના ઓપરેશનના ખર્ચનો ક્લેઇમ વિમા કંપનીમાં કર્યો હતો. જોકે, વિમા કંપનીએ તેમાં રકમ કાપી લીધી હતી. આ અંગે મહિલાએ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ આપી હતી. જેમાં કોર્ટે મહિલાને વ્યાજ સહિત રૂ.32 હજારની રકમ ચુકવવા આદેશ કર્યો હતો.
મહિલાએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી
વિદ્યાનગરમાં રહેતા પ્રેમિલાબહેન જે. ગજ્જરને પેટમાં દુઃખાવો થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ચાર દિવસ ચાલેલી આ સારવારનો કુલ ખર્ચ રૂ.1,19,789 થયો હતો. આથી, તેઓએ ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં મેડિકલેઇમ કર્યો હતો. જોકે, કંપનીએ પ્રેમિલાબહેનના ખાતામાં 67,882 જેવી રકમ જ પાસ કરી હતી. બાકીની રકમ કાપી લીધી હતી. આથી, પ્રેમિલાબહેને ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
9 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ
આ દરમિયાન બન્ને પક્ષોને સાંભળ્યા બાદ ગ્રાહક કોર્ટે નોંધ્યું હતું કે, રૂઢીગત અને વ્યાજબી ખર્ચના મથાળા હેઠળ કપાત કરાયેલી રકમ વ્યાજબી ઠરાવી શકાય તેમ નથી કારણ કે, જરૂરી દવા અને સાધનો વગર ડોક્ટર કેવી રીતે સારવાર કરી શકે ? કપાત રકમની ચોક્કસ ગણતરી કે પોલીસીની કોઇ ચોક્કસ શરત દર્શાવવામાં આવી નથી. આ કેસમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે, ફરિયાદીને હુકમની તારીખથી બે માસમાં રૂ.32,118 અરજીની તારીખથી 9 ટકા વ્યાજ સાથે વસુલ આપવા, ઉપરાંત ફરિયાદીને માનસિક ત્રાસ બદલ રૂ.2 હજાર અને અરજી ખર્ચના રૂ.1 હજાર પણ ચુકવવા વિમા કંપનીને આદેશ કર્યો હતો.
વિમા કંપનીએ શું દલીલ કરી હતી ?
વિમા કંપનીએ રજૂઆત કરી હતી કે, ચોક્કસ શરતોને આધીન ફરિયાદીનો વિમો લીધો છે. જેમાં એનેસ્થેસીયા ચાર્જ, આસી. સર્જન ચાર્જ, ઓટી અને સર્જન ચાર્જ પોલીસીના ક્લોઝ મુજબ નોન મેડિકલ આઇટમની રકમ ફરિયાદી મેળવવા હક્કદાર નથી. જે રકમ ચુકવવામાં આવ્યું છે, તે ફુલ એન્ડ ફાયનલ સ્ટેટમેન્ટ પેટે ચુકવી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.