મતગણતરી:અમૂલ ડેરીના વાઈસ ચેરમેનની ચૂંટણીની મતગણતરી 6 સપ્ટેમ્બરે હાથ ધરાશે, પરિણામને લઈ ઉત્સુકતા

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ પ્રાંતઅધિકારી દ્વારા મંગળવારે સવારે 11 કલાકે આણંદ અમુલના સભાખંડમાં મતગણતરી હાથ ધરાશે

આણંદ અમુલની વર્ષ 2020માં યોજાયેલ સામાન્ય ચૂંટણી બાદ સરકારે અમૂલના વહીવટી માળખામાં ત્રણ સરકારી પ્રતિનિધિની નિમણૂંક કરી હતી.જેને લઇ કાયદાકીય વિવાદ ઉભો થયો હતો .જોકે લાંબી લડાઇ બાદ હાઇકોર્ટે સરકારે નિમણૂંક કરાયેલા ત્રણેય પ્રતિનિધિનું પ્રતિનિધિત્વ રદ્દ કરી નાંખ્યું છે અને તેમણે વાઇસ ચેરમેનની ચૂંટણી માટે આપેલા મત સિવાય ચૂંટાયેલા સભ્યોએ આપેલા મતની ગણતરી કરવા આદેશ કર્યો છે. જે સંદર્ભે મંગળવારના રોજ ચૂંટણી અધિકારીની હાજરીમાં મતગણતરી કરવામાં આવશે.

આણંદ અમુલ ડેરીના 10 હજાર કરોડના ટર્નઓવર પર અંકુશ મેળવવા માટે છેલ્લા દસકાથી રાજકીય લડાઇ શરૂ થઇ છે. આ લડાઇ વચ્ચે સરકાર દ્વારા પોતાના ત્રણ પ્રતિનિધિની નિમણૂંક કરી હતી. આ પ્રતિનિધિઓ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મતદાન કરવા સુધીનો મામલો પહોંચ્યો હતો. દોઢેક વર્ષ પહેલા આણંદ અમૂલ ડેરીના વહીવટી માળખાના 13 સભ્યોની ચૂંટણી થઇ હતી. જે ચૂંટણી બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેન તરીકે રામસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયાં હતાં. જોકે, વાઇસ ચેરમેનની ચૂંટણીમાં બોરસદના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને બાલાસિનોરના ભાજપના આગેવાન રાજેશ પાઠક (પપ્પુ પાઠક) વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ચૂંટાયેલા 13 સભ્યો, રજીસ્ટ્રાર સહિત 15 વ્યક્તિ ઉપરાંત સરકારના ત્રણ પ્રતિનિધિ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

રાજેન્દ્રસિંહ પરમારે સરકારના પ્રતિનિધિની નિમણુંકના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. જેથી વાઇસ ચેરમેનની ચૂંટણીની મતગણતરી અટકાવવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ સરકાર તરફથી નિમાયેલા ત્રણ પ્રતિનિધિની નિમણૂંક રદ કરવામાં આવી હતી. આ આદેશના પગલે ચૂંટણી અધિકારી આણંદ પ્રાંતઅધિકારી વિમલ બારોટ દ્વારા મંગળવારના રોજ સવારે 11 કલાકે આણંદ અમુલના સભાખંડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. આ મતગણતરીના પગલે સહકારી ક્ષેત્રે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...