આણંદ જિલ્લામાં વકરી રહેલા કોરોના કેસના પગલે તંત્ર દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કંટ્રોલ સેન્ટર પર એક કોલ કરવાથી આરોગ્ય વિભાગ સીધું ઘરે પહોંચશે અને ઘરે બેઠાં જ તપાસ, ત્વરીત નિદાન તથા જરૂર પડે સઘન સારવાર આપશે. આ ઉપરાંત હોસ્પિટલની સ્થિતિ, રસીકરણ સહિતની પણ માહિતી પુરી પાડવામાં આવશે. કોરોના નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ 14 વિષયો સમાવિષ્ટ તબીબી નિષ્ણાંતોની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. રાજ્યમાં હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર અંતર્ગત આણંદના જિલ્લા પંચાયત ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
આણંદ ખાતે કાર્યરત કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અંગે કલેક્ટર મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે, કોરોનામાં નાગરિકોને ઘરે બેઠાં તેનું માર્ગદર્શન મળી રહેવાની સાથે કોરોના શંકાસ્પદ દર્દીઓની ઘરે બેઠા તપાસ, ત્વરિત નિદાન તથા સઘન સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવશે. આ ઉપરાંત હોમ આઇસોલેશનમાં રહેલા કોવિડ-19 પોઝિટિવ દર્દીની સારવાર, માર્ગદર્શન અને ફોલોઅપ, હોમ આઇસોલેશન દરમિયાન દર્દીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઉભી થાય તો તે માટેની માહિતી સહ જાણકારી, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને એકાંકી જીવન વ્યતિત કરતાં હોય તેવા વૃદ્ધોનું ઘેર બેઠાં કોવિડ-19 વેક્સિનેશન સહિત જિલ્લાની તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ કોવિડ-19ના બેડ, ઓક્સિજન, વેન્ટીલેટર વોર્ડ સહિતની જાણકારી આપવામાં આવશે.
ઇ-સંજીવની ટેલીમેડિસીન સેવા અંતર્ગત હોમઆઇસોલેશન અને અન્ય દર્દીઓને ઘરે બેઠા જ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા કાઉન્સેલીંગ અને વાતચીત કરવામાં આવશે. આ વાતચીતના આધારે દર્દીઓનું કાઉન્સેલીંગ કરી તબીબો દ્વારા ઇ- પ્રીસ્ક્રીપશનથી દવાઓ પણ લખી આપવામાં આવશે. આણંદ કલેક્ટર મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ સહિત ઉચ્ચ અધિકારીઓએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને કેવી રીતે કામ કરી રહ્યું છે ? તેનું નિરીક્ષણ કર્યું હતું.મહત્વનું છે કે આ તબક્કે કલેકટર દ્વારા દર્દી સાથે ટેલિફોનિક વાત પણ કરવામાં આવી હતી અને દર્દીના તબિયત ખબરની પૃચ્છા કરી દર્દીને તંદુરસ્ત આરોગ્ય માટે શુભેચ્છા પણ આપી હતી.
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જયારે કોવિડ-19ને લગતું ઘરે બેઠાં માર્ગદર્શન આપવાની સેવાઓ જયારે કાર્યરત કરવામાં આવી છે ત્યારે કલેકટર એમ.વાય.દક્ષિણીએ જિલ્લાના નાગરિકોને જિલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ફોન નંબર 02692-260675 અથવા તો મોબાઇલ નંબર 7567870019 કે 7574842946 ઉપર સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવવાની અપીલ કરી કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવા સહિત ઘરની બહાર નીકળો ત્યારે અવશ્ય માસ્ક પહેરીને જ નીકળવા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા સહિત સાવચેતી અને સાવધાની રાખવાનો પણ અનુરોધ કર્યો છે.
આરોગ્યની 637 ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની ત્રીજી લહેરને કાબુમાં લેવા ઘરે ઘરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આરોગ્ય વિભાગની 637 ટીમ જોડાઇ છે. આ ટીમમાં ફિમેઇલ, મેલ હેલ્થ વર્કર, આશા વર્કર સહિતની ટીમ બનાવવામાં આવી છે. આ સર્વેની કામગીરી દરમિયાન પ્રશ્નોત્તરી, કુટુંબની વિગત, તાવ, શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો છે કે કેમ ? તેઓને રસીના કેટલા ડોઝ લીધા છે કે તેની તપાસ કરી જરૂરી ફોર્મ ભરાવવામાં આવે છે. આ સમય દરમિયાન જો કોઇ લક્ષણો જણાય આવે તો તેઓને હોમ આઇસોલેશનમાં કે તબીબી તપાસની જરૂર હોય તો તેઓને તબીબી તપાસ કરવાની સલાહ આપી જરૂરી માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.